Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નોકરી માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ છે ? આટલી બાબતો સફળતા અપાવી શકે

કોરોના- લોકડાઉન સંદર્ભેની હાલની પરિસ્થિતિમાં ભરતીઓ માટે ઓફલાઇન ઇન્ટરવ્યુને બદલે ઓનલાઇન ઇન્ટરવ્યુ થયાઃ 'ન્યુ કરીઅર એરા' ડેવલપ થયોઃ ઓનલાઇન મોક ઇન્ટરવ્યુ,ઇન્ટરનેટ સ્પીડ, બોડી લેંગ્વેજ, બેસવાની જગ્યા, વોઇસ કલેરીટી, સંપૂર્ણ માહિતી, ડ્રેસીંગ સેન્સ તથા તમામ એટીકેટસ સહિતના પરિબળો મહત્વના

રાજકોટ તા.૨૫: ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા ત્રણેક મહિનાથી વૈશ્વિક મહામારી કોરોના (કોવિદ-૧૯)એ ધીમે-ધીમે ભયંકર તબાહી મચાવી દીધી છે. વિશ્વમાં સવા ત્રણ લાખ ઉપર લોકોનો ભોગ લીધો છે. કોરોના સામેની તકેદારીરૂપે ભારતમાં સતત બે મહિનાથી લોકડાઉન પણ ચાલી રહ્યું છે.

આ તમામ સંજોગો વચ્ચે પણ વિવિધ સરકારી -સહકારી કે ખાનગી સંસ્થાઓ-કેચરીઓ, કંપનીઓ, કારખાનાઓ, કોર્પોરેટ કંપનીઓ, આઇ.ટી કંપનીઓ, ફાર્મા કંપનીઓ, હોસ્પિટલ્સ, અર્ધસરકારી કચેરીઓ વિગેરે દ્વારા જરૂરીયાત મુજબ સ્ટાફની ભરતી ચાલુ જ છે.

પરંતુ ફરક માત્ર એટલો જ છે કે કોરોના -લોકડાઉન પહેલા મોટાભાગની નોકરીઓ માટે ઓફલાઇન -ફીઝીકલ ઇન્ટરવ્યુ લેવામાં આવતા હતા. જ્યારે હાલના સમયમાં ઝુમ, સિસ્કો વેબેક્ષ, ઓનલાઇન લીંક સ્ટુડીયો વિગેરે ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. હાલની માહિતી અને જ્ઞાનની ૨૧મી સદીમાં 'ન્યુ કરીઅર એરા' ડેવલપ થતો હોવાનું દેખાઇ રહ્યું છે.

કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઓનલાઇન ઇનટરવ્યુ દરમ્યાન ઇન્ટરવ્યુ પેનલને ઇમ્પ્રેસ કરી શકાય અને સાથે-સાથે નોકરી માટે સિલેકશન થવાની સંભાવના પણ વધી જાય? આત્મવિશ્વાસમાં વધારો કરતી આવી તમામ બાબતો ઉપર એક નજર કરીએ તો.....

* પૂર્વતૈયારી કરવી

લેખીત કે મૌખિક, કોઇ પણ પરીક્ષા હોય, પૂર્વ તૈયારી ખુબ જ મહત્વની છે. સારી રીતે પૂર્વતૈયારી કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે. જે સંસ્થામાં કે કંપનીમાં ઇન્ટરવ્યુ હોય તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. સાથે-સાથે જે પોસ્ટ (ડેઝીગ્નેશન) માટે ઇન્ટરવ્યુ હોય તે પોસ્ટ વિશેની તમામ જાણકારી તથા સંબંધિત વિષયોની પુરી જાણકારી રાખવી હિતાવહ છે.

*મોક ઇન્ટરવ્યુ અચૂક આપવો-રેકોર્ડીંગ કરવું

ઇન્ટરવ્યુ પહેલાની પ્રેકટીસ ખુબ જ મહત્વની હોય છે. આત્મવિશ્વાસ ઘણો વધી જાય છે અને ભય ઓછો થઇ જાય છે. વાક્છટામાં પણ સુધારો થાય છે. આ માટે ઓનલાઇન મોક ઇન્ટરવ્યુ (ઓરીજનલ ઇન્ટરવ્યુની જેમ જ પ્રેકટીસ કરવી) પરિવારજનો, ટીચર્સ, પ્રોફેસર્સ, ફ્રેન્ડસ વિગેરેની પેનલ સમક્ષ કે પર્સનલી આપી શકાય છે. મોક ઇન્ટરવ્યુ દરમ્યાન રેકોર્ડીંગ ખાસ કરવું કે જેને કારણે નાની-નાની ભૂલોને શોધીને મેઇન ઇન્ટરવ્યુ  માટે સક્ષમ બની શકાય. મોક ઇન્ટરવ્યુ સફળતાની સીડી બની શકે છે.

* ઇન્ટરવ્યુ પહેલા ઇન્ટરનેટ સ્પીડ, સોફરવેર,એપ તથા હેન્ડસ ફ્રી-હેડ ફોન્સ ખાસ ચેક કરવા

ઓનલાઇન ઇન્ટરવ્યુ આપતા પહેલા ઇન્ટરવ્યુ દરમ્યાન ડીસ્ટર્બન્સ નિવારવા તથા વોઇસ કલેરીટી જાળવી રાખવા ઇન્ટરનેટ સ્પીડ ખૂબ મહત્વની છે. વિડીયો ચેટની કન્ટીન્યુટી જળવાય તે અનિવાર્ય છે. સાથે-સાથે જે કોઇ સોફટવેર કે એપ દ્વારા ઇન્ટરવ્યુઅર્સ સાથે જોડાયેલા હોઇએ તે સોફટવેર કે એપને ચેક કરી લેવા અને ઓપરેટ કરતા શીખી લેવા જોઇએ. હેન્ડસ ફ્રી તથા હેડ ફોન્સને ચકાસીને યોગ્ય વોલ્યુમ સેટ કરીને રાખી દેવું હિતાવહ છે.

* બોડી લેંગ્વેજ ઉપર ધ્યાન આપવું

ઓનલાઇન ઇન્ટરવ્યુ દરમ્યાન ઉમેદવારની બોડી લેંગ્વેજનું સતત નિરીક્ષણ થતું હોય છે. અમુક પ્રકારની બોડી લેંગ્વેજ ઇન્ટરવ્યુઅર્સને ઇમ્પ્રેસ કરે છે તો અમુક નેગેટીવ ઇફેકટ ઉપજાવે છે. ટટ્ટાર-સીધા બેસવું, બેકગ્રાઉન્ડ સારૃં રાખવું, હળવા સ્મિત સાથે કેમેરા સામે આંખો રાખવી, ચહેરા ઉપર ગભરાટ કે નિરાશા ન રાખવી, વધુ હલન ચલન ન કરવું, હાથને કેમેરા સામે ઓછા મુવ કરવા, ઇયરફોનને સાવ હોઠ નજીક  ન રાખવા  વિગેરે બાબતો મહત્વની છે. આ બાબતોનું ધ્યાન ન રાખવાથી વાતચીતમાં વિક્ષેપ પડી શકે છે.

* ઇન્ટરવ્યુ એટીકેટસને કમ્પ્લીટ્લી ફોલો કરવા

ઇન્ટરવ્યુ દરમ્યાન મૌખિક સાક્ષાતકારના તમામ એટીકેટસને ફોલો કરવા જરૂરી બની જાય છે. ઇન્ટરવ્યુ દરમ્યાન બોલવામાં ખાસ ધ્યાન રાખવું. થોડુ ધીમે અને સ્પષ્ટ બોલવું કારણ કે ઓનલાઇન -ડીજીટલ પ્લેટફોર્મ હોવાથી ઇન્ટરવ્યુઅર્સ સુધી અવાજ પહોંચવામાં ફ્રેકશન ઓફ સેકન્ડનું અંતર રહેતુ હોય છે. ઇન્ટરવ્યુ જલ્દી પુરો કરવાની ઉતાવળ ન કરવી. ઇન્ટરવ્યુ લેનાર જે કંઇ પણ કહે તે શાંતિથી -સમજપૂર્વક સાંભળવું.

ઇન્ટરવ્યુ ભલે ઘરેથી ઓનલાઇન આપતા હોય પરંતુ પ્રોફેશનલ -ફોર્મલ ડ્રેસ (પોશાક) જ પહેરવો હિતાવહ છે.ચહેરાને અનુરૂપ હેરકટ, શેવિંગ  કરીને સ્માર્ટ લુક હોવો જરૂરી છે. ફીમેલ કેન્ડીડેટસ દ્વારા વધુ પડતા મેક અપ બાબતે સજાગ રહેવું જરૂરી છે. સિમ્પલ, સોબર તથા નેચરલ લુક ઘણી વખત ફાયદો કરાવી આપતા હોય છે.

* બેસવાની જગ્યા બાબતે ચીવટ રાખવી

ઓનલાઇન ઇન્ટરવ્યુ દરમ્યાન બેસવાની જગ્યા બાબતે પણ ચીવટ રાખવી જરૂરી છે. વધુ અંધારૂ કે મુખારવિન્દ ઉપર સીધી લાઇટ ન આવે તે ધ્યાન રાખવું. બને તો નેચરલ લાઇટનો જ ઉપયોગ કરવો. આજુબાજુમાં વધુ ઘોંઘાટ-અવાજ ન હોવો જોઇએ.જો સાંજના કે રાત્રીના સમયે ઇન્ટરવ્યુ હોય તો લાઇટ હોય તેની  ઊંધી (વિરૂધ્ધ) દિશામાં બેસવુ કે જેથી ચહેરા ઉપર લાઇટ આવી શકે અને ચહેરો સ્પષ્ટ દેખાઇ શકે.

આ ઉપરાંત ઇન્ટરવ્યુમાં જે  પ્રશ્નો પુછવામાં આવે તેનો જ પોઇન્ટ ટુ પોઇન્ટ જવાબ આપવો જોઇએ. કોઇ પણ વિષય ઉપર વિદ્વતા સિધ્ધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. દલીલબાજીથી દૂર રહી તથા ખોટા જવાબો આપવાથી દૂર રહીને સાચા જવાબો જ આપવા જોઇએ. જે પ્રશ્નોના જવાબો ન આવડતા હોય તે બાબતે વિનમ્રતાથી ના પાડવી જોઇએ. બધાને બધું  જ આવડતુ હોય તે જરૂરી નથી અને કદાચ શકય પણ નથી.

આમ, ઇન્ટરવ્યુ અલગ-અલગ ફીલ્ડ, કેડર, જગ્યાઓ કે વિષયોના હોઇ શકે છે. પરંતુ મોટેભાગે તમામ ઇન્ટરવ્યુમાં બેઝીક ગણાતી ઘણી બધી ઉપરોકત બાબતો કોમન હોય છે. કે જે સફળતાના શિખરો સર કરવામાં મદદરૂપ બનતી હોય છે.

યોગ્ય લાયકત, આત્મ વિશ્વાસ, સ્વપ્રયત્ન, સચોટ માર્ગદર્શન, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને ઇન્ટરવ્યુ આપવામાં આવે તો ચોકકસપણે ઉજજવળ કારકિર્દીનું નિર્માણ થઇ શકે છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(9:37 am IST)