Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઉત્તર ભારતમાં અગ્નિવર્ષા : લોકો ત્રાહિમામ

દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી તા. ૨૫ : ચામડી દઝાડી દેતી ગરમી અને ઉત્તરભારતના કેટલાય સ્થળોએ પારો ૪૫ ડિગ્રીથી ઉપર ગયા પછી હવામાન વિભાગે ગઇકાલે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન માટે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાએ કહ્યું છે કે, આ દિવસોમાં પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાથે જ આ રાજ્યોમાં શુક્રવારે વરસાદથી રાહત થવાની આશા પણ વ્યકત કરી છે. તો પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનિય છે કે, શનિવારે પ્રલાનીનું ઉષ્ણાતામાન ૪૬.૭ ડિગ્રી થયું હતું.

ભારતીય હવામાન ખાતાના વિભાગીય વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશના કેટલાક ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસોમાં ઉષ્ણાતામાન વધુ ઉપર જઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સીઝનમાં પહેલીવાર કાળઝાળ ગરમી માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આઇએમડીના રાષ્ટ્રીય હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે, ઉત્તર - પશ્ચિમની સૂકી હવાઓના કારણે ગરમી વધી રહી છે. તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે થોડો વરસાદ થવાના કારણે ૨૮ મે પછી જ રાહત થવાની આશા છે.

હવામાન ખાતાએ પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી દિવસોમાં ૪૮ ડીગ્રીએ પહોંચી શકે છે. દેશમાં ચૂરૂ એવું સ્થળ છે જ્યાં તાપમાનમાં ભારે અંતર જોવા મળે છે. ત્યાં શિયાળામાં ઉષ્ણતામાન ઝીરો ડીગ્રીથી નીચે જતું રહે છે તો ઉનાળામાં ૫૦ ડીગ્રી સુધી પહોંચી છે.(૨૧.૩)

લૂની પરિસ્થિતિ કયારે જાહેર થાય

લૂની પરિસ્થિતિ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડ હોય અને સામાન્ય તાપમાનમાં ૪.૫ થી ૬.૪ ડીગ્રી સુધીનો વધારો થયો હતો.

મેદાની વિસ્તારોમાં લૂની પરિસ્થિતિ ત્યારે જાહેર થાય જ્યારે મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રી હોય અને ભીષણ લૂ ત્યારે હોય જ્યારે ઉષ્ણતામાન ૪૭ ડીગ્રી સેન્ટીગ્રેડ અથવા તેનાથી વધારે હોય.

રેડ એલર્ટ લોકોને સાવચેત કરવા માટે બહાર પડાય છે કે તેઓ બપોરે ૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળે, કેમકે ત્યારે ગરમી વધારે હોય છે.

(2:48 pm IST)