Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

CM યોગીને બોંબથી ફુંકી મારવાનો મેસેજઃ આરોપીની ધરપકડ થતાં પોલીસને ધમકી

આરોપીની મુંબઇથી ધરપકડઃ પોલીસને મળી ધમકી... અંજામ ભોગવવા તૈયાર રહેજો

મુંબઈ/લખનૌ, તા.૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યકિતની ધરપકડ મુંબઈથી કરવામાં આવી હતી. જોકે, હવે આરોપીની ધરપકડ થયા પછી પોલીસને જ ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. મહારાષ્ટ્ર એટીએસે જણાવ્યું કે આ ધમકીભર્યા ફોન લખનઉ પોલીસના સ્પેશિયલ મીડિયા ડેસ્ક પરથી જ આવ્યા છે. હવે પોલીસ આ મામલે પણ વધુ તપાસ કરી રહી છે.

એટીએસે જણાવ્યું કે એક અજાણ્યા વ્યકિતએ ધમકી આપી છે કે તે આરોપીની ધરપકડ પર હવે સરકારને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. મહારાષ્ટ્ર એટીએસે શનિવારે આરોપીની ધરપકડ કરી હતી. ૨૫ વર્ષના આરોપી કામરાન અમીન ખાનની એટીએસના મુંબઈ ચૂનાભટ્ટી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે તેણે જ ધમકી આપી હતી. આરોપીને યુપી એટીએસને સોંપવામાં આવ્યો છે.

ગુરુવારે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પોલીસ હેડકવાર્ટરના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી હતી. જે નંબરથી ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. પોલીસે તે નંબરના આધાર પર FIR દાખલ કરીને તપાસ શરુ કરી હતી. આ મેસેજમાં યોગીને એક ખાસ સમુદાયના દુશ્મન ગણાવવામાં આવ્યા હતાં. યુપી પોલીસના ૧૧૨ હેડકવાર્ટરમાં ગુરુવારે આશરે રાતે સાડા બાર કલાકે એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ ત્યાંના સોશિયલ મીડિયા ડેસ્કના નંબર ૭૫૭૦૦૦૦૧૦૦ પર આવ્યો હતો. આ મેસેજમાં લખ્યુ હતું કે,'સીએમ યોગીને હું બોમ્બથી ઉડાવવાનો છું. (એક ખાસ સમુદાયનું નામ લખીને)ના જીવનો દુશ્મન છે તે.'

સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યકિતની ઓળખ કામરાન તરીકે થઈ છે. જેની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કામરાન મુંબઈનો જ રહેવાસી છે. ઝવેરી બજારમાં સિકયોરિટી ગાર્ડની નોકરી કરતા કામરાનનું ૨૦૧૭માં સ્પાઈન ટીબીનું ઓપરેશન થયું હતું. જે પછી તેણે નોકરી છોડી દીધી હતી. હાલ તે કોઈ જ કામ કરતો નથી. કામરાનના પરિવારમાં માતા, બહેન અને એક ભાઈ છે.

(9:33 am IST)