Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વિશ્વાસની ડોર મજબૂત હોય છે ત્યારે આવી લહેર હોય છે

સંસદના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું : લઘુમતિ સમુદાય સાથે ગરીબોની જેમ ચેડા થયા : નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, તા. ૨૮ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ અને ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ફરી એકવાર ઐતિહાસિક સંબોધન કર્યું હતું જેમાં મોદીએ કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ અને તમામનો વિશ્વાસ અમારો મૂળ મંત્ર છે. ગરીબોની જેમ જ લઘુમતિઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી છે. તેમને ડરાવીને રાખવામાં આવ્યા છે. તેમના વિકાસ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમનો માત્ર વોટબેંક માટે ઉપયોગ થયો છે. તેમનો વિશ્વાસ જીતવાની પણ જરૂર છે. મોદીએ કહ્યું હતું કે, ટીવી પર દેખાય તે માટેના લાલચથી બચવાની જરૂર છે. આનાથી બચીને ચાલવાની સ્થિતિમાં પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવીશું. મોદીએ કહ્યું હતું કે, મોદી જ મોદીના ચેલેન્જર તરીકે છે. આ વખતે મોદીએ મોદીને પડકાર ફેંક્યો હતો અને ૨૦૧૪ના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગૃહમાં મહિલાઓની સંખ્યાનો પણ રેકોર્ડ તુટી ગયો છે. વિશ્વાસની ડોર જ્યારે વધારે મજબૂત હોય છે ત્યારે શાસન તરફી લહેર ચાલતી હોય છે. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય બની ગઈ છે. આજે અમે નવા ભારતમાં સંકલ્પને લઇને નવી ઉર્જા સાથે આગળ વધવા જઈ રહ્યા છે. ચૂંટણી અભિયાનના સમયે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ અમારા તમામ સાથીઓને વિશ્વાસ હતો કે, અમે ૫૦ ટકાની લડાઈ લડીશું અને અમે જીતીને આવ્યા છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નિયમોના પાલનમાં કોઇ સંકોચ રાખવાની જરૂર હોવી જોઇએ નહીં. વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાની જરૂર છે. અમને તમામ પ્રજાનું સન્માન કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં લોકોની નજીક પહોંચી શકાશે. મોદીએ ઉમેર્યું હતું કે, જેટલા મત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પ્રમુખની ચૂંટણીમાં મળ્યા હતા. અમારા વોટમાં એટલાનો તો વધારો થયો છે. જનપ્રતિનિધિઓ માટે કોઇ અલગ હોઈ શકે નહીં. વિનોબાભાવે કહેતા હતા કે ચૂંટણીથી વિભાજન થાય છે પરંતુ ૨૦૧૯ની ચૂંટણીએ તમામ દિવાલો તોડી દીધી છે. મોદીએ સફળતા માટે તમામનો આભાર માન્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, અમને વિશ્વાસ હતો કે, મોદીના નેતૃત્વમાં અમને પૂર્ણ બહુમતિ મળશે. ભાજપને ૩૦૩ અને એનડીએને ૩૫૩ સાંસદો મળ્યા છે.

(9:20 pm IST)