Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

યુપીમાં ચાર સિવાય કોંગીના બધા ઉમેદવાર ખરાબ હાર્યા

ચાર સિવાયના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી : ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને માત્ર એક થઇ : સૌથી જુની અને સૌથી મોટી પાર્ટીની હાલત ખરાબ

લખનૌ, તા. ૨૫ : લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામીના કારણે દેશના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ચાર ઉમેદવારને બાદ કરતા કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. રાજનીતિમાં સૌથી મોટા ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે, તેના ખાતામાં માત્ર એક સીટ આવી છે. કોંગ્રેસ તરફથી ઉત્તરપ્રદેશમાં માત્ર ચાર ઉમેદવાર ડિપોઝિટ બચાવી શક્યા છે. બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઇ ગઈ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટીની સાથે આ વખતે સારા દેખાવની અપેક્ષા હતી. પ્રિયંકા ગાંધીએ પણ રાહુલની સાથે પૂર્ણ તાકાત લગાવી હતી પરંતુ તમામ દિગ્ગજો પરાજિત થયા છે. રાહુલ ગાંધી પોતે તેમની પરંપરાગત સીટ અમેઠી પરથી હારી ગયા છે. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલીમાં જીત મેળવીને પાર્ટીનું ખાતુ ખોલ્યું છે. કોંગ્રેસની આટલી ખરાબ હાલત ઇમરજન્સીના ગાળામાં થઇ હતી. તે વખતે ૧૯૭૭માં ઉત્તરપ્રદેશમાં પાર્ટીનું ખાતુ પણ ખોલાયું ન હતું. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના માત્ર ચાર જ ઉમેદવાર એવા રહ્યા છે જે ડિપોઝિટ બચાવી શક્યા છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઇમરાન મસુદ અને પ્રકાશ જયસ્વાલનો સમાવેશ થાય છે. રાયબરેલીમાં સોનિયા ગાંધીને ૫૩૪૯૧૮ મત મળ્યા હતા જે કુલ મત પૈકી ૫૫.૮ ટકા છે. અમેઠીમાં રાહુલ ગાંધીને ૪૧૩૩૯૪ મત મળ્યા છે. કાનપુરમાં પ્રકાશ જયસ્વાલને ૩૧૩૦૦૩ મત મળ્યા છે જ્યારે સહારનપુરમાં ઇમરાન મસૂદને ૨૦૭૦૬૮ મત મળ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદ, પૂર્વ કેન્દ્રીયમંત્રી આરપીએન સિંહ, જિતિન પ્રસાદ, નિર્મલ ખત્રી, નસીમુદ્દીન સિદ્દીકી, અજય રાય જેવા દિગ્ગજ નેતા પણ જમાનત બચાવી શક્યા નથી. ૧૦ જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર એવા રહ્યા છે જ્યાં કુલ પડેલા મત પૈકી બે ટકાથી પણ ઓછા મત મળ્યા છે. ભદોઈમાંથી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં રહેલા અખિલેશને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઇ ઉમેદવારને એ સીટ ઉપર કુલ મત પૈકી ૧૬.૧૬ ટકાથી ઓછા મત મળે છે તો તે ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઇ જાય છે.

 જમાનત જપ્ત થવાની સ્થિતિમાં ઉમેદવાર દ્વારા જમા કરવામાં આવેલી ૨૫ હજાર રૂપિયાની રકમ જપ્ત થઇ જાય છે. ૮૦ લોકસભા સીટ પર કોંગ્રેસ તરફથી ૬૭ ઉમેદવાર મેદાનમાં હતા પરંતુ તેને માત્ર એક જ સીટ મળી છે.

કોની ડિપોઝિટ બચી....

લખનૌ, તા. ૨૫ : લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામીના કારણે દેશના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ચાર ઉમેદવારને બાદ કરતા કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે.  કોંગ્રેસ પાર્ટી તરફથી કયા ચાર ઉમેદવાર ડિપોઝિટ બચાવી શક્યા છે તે નીચે મુજબ છે.

નામ.................................................... મળેલા મત

સોનિયા ગાંધી........................................ ૫૩૪૯૧૮

રાહુલ ગાંધી.......................................... ૪૧૩૩૯૪

પ્રકાશ જયસ્વાલ.................................... ૩૧૩૦૦૩

ઇમરાન મસૂદ....................................... ૨૦૭૦૬૮

 

 

(7:50 pm IST)