Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતની આગમાં ભુંજાયેલા ૨૩ મૃતકમાં ૧૬ દીકરીઓ

મૃતક તમામ ૧૬ દિકરીઓ પાટીદારની હતી : ૨૩ માસૂમોને વિનાશક આગની જ્વાળાઓ ભરખી ગઈ

અમદાવાદ, તા.૨૫ : સુરત શહેરમાં પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે ખેલાયેલા આગના મોતના તાંડવમાં ૨૩ હસતા રમતા બાળકોના મોત નીપજ્યાં હતાં. ભયાવહ આગમાં ૧૮ વર્ષથી લઈને ૨૫ વર્ષની ઉંમરના યુવક યુવતીઓના મોત ભુંજાયા હતા. મૃતકોમાં સૌથી વધુ સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા પાટીદારોની સંખ્યાં છે. સુરતની આગમાં ભુંજાયેલા ૨૩ મૃતક વિદ્યાર્થીઓમાં ૧૬ દિકરીઓ અને સાત દિકરા હોવાનું સામે આવ્યું છે. જેમાં ૨૩ મૃતકોમાંથી ૧૬ જેટલી પાટીદાર યુવતીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં હવે તમામ જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે લોકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે.

સુરતવાસીઓએ સુરત મનપા અને તંત્ર પર ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, પહેલેથી વરાછા સહિતના વિસ્તારોમાં ધ્યાન આપવામાં આવતું નથી. પાલિકા વેરો સૌથી વધુ ઉઘરાવે છે. પરંતુ સુવિધા આપવામાં આવતી નથી જેનું આ કાળમુખુ ઉદાહરણ છે અમે ફૂલ જેવા બાળકોને ખોયા છે. ફાયરબ્રિગેડ પાસે સાધનો જ નહોતા તે બહુ શરમજનક વાત છે. આજે મૃતક બાળકોને શ્રધ્ધાંજલિ આપવા માટે સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા સુરત ઉપરાંત, અમદાવાદ સહિત રાજયભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરતના ડાયમંડ એસોસીએશન દ્વારા યોજાયેલા શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના અન્ય આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. તો, સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ આજે મૃતક વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે પૂજારીઓ દ્વારા ખાસ મંત્ર જાપ અને પૂજા હવન કરવામાં આવ્યા હતા.

(7:41 pm IST)