Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સાથે ભણ્યા, સાથે જીવ ગૂમાવ્યોઃ ૧૬ હતભાગીને અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં 'અગ્નિસંસ્કાર'

હજૂ તો ખિલ્યા પણ નહોતાં એ 'ફૂલડા' રાખ થઇ ગયા, માવતરોના 'અરમાનો' બધા ખાક થઇ ગયા! : ભુલ ભલે ગમે તેની હતી...પણ જે અકાળે પુરી થઇ ગઇ એ નિર્દોષ જિંદગીઓ ખુબ નાની હતી... સ્વજનોના હૈયાફાટ આક્રંદ વચ્ચે અંતિમયાત્રાઓમાં હજ્જારો આંખો રડી પડી

સુરત,તા. ૨૫ : સુરત અગ્નિકાંડની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા તમામ બાળકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ૧૬ બાળકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકોના આંખમાં આસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના આઘાતમાંથી લોકો હજુ પણ બહાર આવી શક્યા નથી. અગ્નિકાંડમાં ૨૩ બાળકોના મોત થયા હતા.સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ગઇકાલે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૨૩ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર પર આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી. તરત જ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસના આદેશ પણ કરવામાં આવ્યો હતો.  દરમિયાન સુરતમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.  જો કે, વાલીઓમાં અને સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશની  આજે સતત બીજા દિવસે લાગણી તો જોવા મળતી જ હતી. સરકારની સહાય કે પગલા લેવાથી જે માતા-પિતાના સંતાનો મૃત્યુ પામ્યા છે તે પાછા નહી આવે તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો. (તસ્વીરઃ ડિમ્પલ બંગડીવાલા, સુરત)

(3:36 pm IST)