Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મોદી સરકાર ૨.૦ મિડલ કલાસને ટેકસમાં વ્યાપક રાહત મળી શકે છે

કોર્પોરેટ ટેકસ ઘટાડવા અને મેટ નાબૂદ કરવા માટે ફિક્કીની માગ

નવી દિલ્હી, તા.રપઃ એનડીએ સરકાર જુલાઇમાં પોતાનું સંપૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરી શકે છે. બીજા કાર્યકાળના પ્રથમ સંપૂર્ણ કક્ષાના બજેટમાં સરકાર મિડલ કલાસને ધ્યાનમાં રાખી કેટલીય રાહત આપી શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ તત્કાલીન નાણાંપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ તો ટ્રેલર છે, જયારે સંપૂર્ણ બજેટ જુલાઇમાં રજૂ થશે તો તેમાં મિડલ કલાસ અને નવા મિડલ કલાસનું ખાસ ધ્યાન રખાશે. આમ, હવે આ પ્રોમિસ પાળવામાં આવી શકે છે.

નાણાં મંત્રાલયે સંપૂર્ણ કક્ષાના બજેટને લઇને ઇન્ડસ્ટ્રી અને અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ પણ આગામી બજેટમાં કોર્પોરેટ ટેકસમાં કાપ અને મિનિમમ ઓલ્ટરનેટિવ ટેકસ (મેટ)ને નાબૂદ કરવાની માંગણી કરી છે. ફિકકીના પ્રતિનિધિમંડળે બજેટ પૂર્વેની ચર્ચા માટે મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેય સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ફિક્કીએ જણાવ્યું હતું કે અમારા પ્રમુખનું સુચન હતું કે સરકાર વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિસ્પર્ધાની સ્થિતને ટકાવી રાખવા ઘરેલુ રોકાણને પ્રોત્સાહન આપે અને સાથે-સાથે કોર્પોરેટ ટેકસના દરમાં કાપ મૂકવામાં આવે.

નાણાં મંત્રાલયે પણ જે ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે તેમાં ટેકસના દર ઘટાડવા  અને ગ્રોથ વધારવા પર ફોકસ રહેશે. ખાસ કરીને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારવા પર ભાર મૂકવામાં આવશે. કોર્પોરેટ ટેકસમાં પણ બદલાવ કરવામાં આવશે.

સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટમાં ઝડપ લાવવામાં આવશે. જીએસટીના નિયમોને  સરળ બનાવાશે. ટેકસનો બોજ હળવો કરીને તેનો વ્યાપ વધારાશે. આમ, નવી સરકાર ટેકસની બાબતમાં ક્રાંતિકારી ફેરફારો કરી શકે છે.

(3:34 pm IST)