Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

NDAની બેઠકમાં આજે મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

ચુંટણીના પરિણામો બાદ મોદીએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છેઃ શપથ લેવા સુધી કાર્યવાહક પીએમ તરીકે રહેશે

નવીદિલ્હી, તા.૨૫: લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપે સરકાર રચવાની તૈયારી ઝડપી કરી લીધી છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં જીત મેળવનારા પોતાના તમામ સાંસદોને આજે દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં બોલાવ્યા છે. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવું નક્કી છે. આ બેઠક બાદ નરેન્દ્ર મોદી ભાજપની સાથી પાર્ટીઓ સાથે પણ વાતચીત કરશે. શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન સહિત એનડીએના તમામ નેતા આજે દિલ્હી પહોંચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો બાદ શુક્રવાર સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ તમામ મંત્રીપરિષદ સભ્યોએ પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાના રાજીનામા સોંપ્યા. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર કરતાં તમામને નવી સરકારની રચના સુધી કામકાજ સંભાળવાનો આગ્રહ કર્યો, જેને પીએમે સ્વીકાર કરી લીધો. હવે તેઓ શપથ લેવા સુધી કાર્યવાહક પીએમ તરીકે જવાબદારીઓ સંભાળશે.

બીજેપી એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાથી પસંદ થયેલા નવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામા આવશે જે રાજયોમાં બીજેપીને બહુમત મળ્યું છે ત્યાંથી પસંદગી પામેલા લોકોને ઇનામ મળી શકે છે. અનેક યુવા ચહેરાઓને મંત્રી પરીષદમાં સામેલ કરવાની સંભાવના છે કારણે બીજેપી નેતૃત્વ સેકન્ઢ લાઇન લીડરશીપની તૈયારીઓ કરી રહ્યું છે.

(1:15 pm IST)