Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મધ્ય પ્રદેશની કંપાવનારી ઘટના

રમતાં-રમતાં કારનો દરવાજો થઇ ગયો બંધઃ શ્વાસ રૃંધાતા ત્રણ ભાઇ-બહેનનું મોત

ઈન્દોર, તા.૨૫: મધ્યપ્રદેશના ઈન્દોર પાસે આવેલા સાંવેરમાં શુક્રવારે સવારે કારમાં બંધ થયેલા ત્રણ બાળકોનું શ્વાસ રૃંધાવાના કારણે મોત થયા હતા. આ બાળકોની ઉંમર બેથી ૬ વર્ષ વચ્ચેની હતી. પૂનમ (૬), બુલબુલ (૪) અને પ્રતિક (૨) રમવા માટે કારમાં ગયા હતા અને બહાર આવી શકયા જ નહીં. તેમના પરિવારમાં પણ કોઈને જાણ નહોતી કે બાળકો કારમાં ફસાયા છે. ૪૨ ડિગ્રી ગરમીમાં બે કલાક સુધી અંદર ફસાતા તેમનું મોત થઈ ગયું.

 

બાળકોના પિતા પવન ઢોલીએ કહ્યું કે, સવારે ૮ વાગ્યે આંગણવાડી જવા માટે ત્રણેય બાળકો ઘરેથી નીકળ્યા હતા. આંગણવાડી જવાના બદલે ચંદ્રભાગામાં આવેલા તેમના ઘરની પાસે પાર્ક કરેલી કારમાં બેસી ગયા હતા, જે બાદ અકસ્માતે દરવાજો બંધ થઈ ગયો હતો અને તે બાળકોથી તે ખુલ્યો જ નહીં.

બાળકોનો ઘરે પરત ફરવાનો સમય થઈ ગયો હોવા છતાં તેઓ ન આવતાં પરિવારજનોને ચિંતા થઈ હતી. બાળકોના પિતાએ કહ્યું કે, 'રોજે તેઓ આંગણવાડીથી સવારે સાડા દસ કલાકે તો આવી જાય છે. તેઓ ઘરે ન આવતાં અમે શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પાડોશીએ અમને કારમાં તપાસ કરવા માટે કહ્યું હતું. બાળકો અંદર હતા અને પરસેવાથી લથપથતા હતા.'

પાડોશમાં રહેતા રાજેશે કહ્યું કે બાળકોને બહાર કાઢવા માટે દરવાજો તોડવો પડશે. પવન ઢોલીએ કહ્યું કે, 'તેઓ પરસેવાથી એટલા લથપથતા હતા કે એવું લાગી રહ્યું હતું કે જાણી તેઓ પાણીમાં ડૂબી ગયા હોય. તેમની લાશો પર ધૂળ ચોંટેલી હતી'. બાળકોને હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં તેમને મૃત જાહેર કરાયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી અને કેસ નોંધ્યો હતો.(૨૨.૬)

 

(11:43 am IST)