Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ટયુશન કલાસીઝ માટે કાયદો ઘડવા સરકારની વિચારણા

સુરતની ઘટનાના પગલે સરકાર જાગી : તમામ શહેરોમાં કલાસીઝમાં ફાયર સેફટીની તપાસ કરવા આદેશ

રાજકોટ, તા., રપઃ ગઇકાલે સુરતમાં  ટયુશન કલાસીસમાં આગ લાગવાથી ર૦ થી વધુ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. આ ગંભીર ઘટનાના પગલે સરકાર ચોંકી ઉઠી છે. ત્વરીત પગલા માટે આદેશ અપાયા છે. શહેરી વિકાસ વિભાગના અગ્રસચીવ મુકેશપુરીને તપાસ સોંપવામાં આવી છે. તેના અહેવાલને પગલે સરકાર આગળના પગલા ભરશે. હાલ ટયુશન કલાસીસ શરૂ કરવા માટે કોઇ નોંધણીની જોગવાઇ નથી. નજીકના ભવિષ્યમાં સરકાર ખાનગી કલાસીસો માટે નિતી-નિયમો ઘડે તેવા નિર્દેશ છે.

સુરતની ગંભીર ઘટનાના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે સાંજે તાત્કાલીક ત્યાં દોડી ગયેલ. મૃતક વિદ્યાર્થીઓના પરીવારો માટે ૪-૪ લાખની સહાય જાહેર કરી છે. ઇજાગ્રસ્તો માટે તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરાવી છે. તમામ કલાસીસમાં ફાયર સેફટીના સાધનો ન વસાવાય ત્યાં સુધી કલાસીસ ચાલુ નહિ કરવા દેવા સરકારે તમામ જિલ્લા તંત્રને સુચના આપી છે. આજથી મહાનગરો અને નગરોમાં સ્થાનીક તંત્રની ટુકડીઓ તપાસ માટે લાગી ગઇ છે. આગ સામે સલામતી આપતી સુવિધા તેમજ કલાસીસમાં જવા-આવવાના રસ્તા બાંધકામની કાયદેસરતા વગેરે બાબતો તપાસવામાં આવશે. સરકારનો શહેરી વિકાસ, શિક્ષણ, ગૃહ વિગેરે વિભાગ દોડતા થઇ ગયા છે. સુરતની ઘટના બાદ કલાસીસ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને અન્ય એક વ્યકિતની ધરપકડના ચક્રો ગતિમાન થઇ ગયા છે.

હાલ રાજયમાં મોટા ભાગના કલાસીસ મનસ્વી રીતે ચાલતા હોવાની ફરીયાદો છે. સલામતી સહીતની બાબતો અંગે સરકાર તમામ કલાસીસને કાયદાકિય નિયંત્રણ હેઠળ આવરી લેવા વિચારી રહયાનું જાણવા મળે છે. અગ્રસચિવના અહેવાલ બાદ સમગ્ર રાજયમાં અમલ થાય તે પ્રકારની નવી જોગવાઇઓની સંભાવના છે.

(11:34 am IST)