Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કોંગ્રેસને વિપક્ષ પદ પણ નહિ મળે

૧૬ રાજયોમાં કોંગ્રેસનું ખાતુ ન ખુલ્યું: ૧૦ રાજયોમાં ભાજપને એકેય બેઠક ન મળી

નવી દિલ્હી, તા.૨૫: ૨૩મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન યથાવત રાખ્યું છે એટલું જ નહીં, એની બેઠક સંખ્યામાં પણ વધારો થયો છે. ચૂંટણી પંચના સત્ત્।ાવાર આંકડાઓ અનુસાર કુલ ૫૪૨ બેઠકોમાંથી ભાજપે ૩૦૩ બેઠકો પર જીત મેળવી છે, જયારે કોંગ્રેસે ૫૨ બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ ફરી એક વખત નરેન્દ્ર મોદી ઐતિહાસીક બહુમતી સાથે સરકાર બનાવતા જોવા મળી રહ્યાં છે.

કોંગ્રેસની જો વાત કરીએ તો કુલ ૧૬ રાજયો એવા છે જેમાં કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલાવી શકી, કોંગ્રેસને સૌથી વધુ ૧૫ બેઠકો કર્ણાટકમાં મળી છે, જયારે પંજાબ અને તમિલનાડુમાં ૮-૮ બેઠકો મળી છે. તો બીજી તરફ ૧૦ રાજયોમાં ભાજપ પણ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપને સૌથી વધુ ૬૨ બેઠકો ઉત્ત્।ર પ્રદેશમાં મળી છે, અને સૌથી ઓછી ૧-૧ બેઠકો મળી હોય તેવા ચાર રાજયો છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.

૨૦૧૪ની માફક આ વખતે પણ કોંગ્રેસ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મેળવી શકે એમ નથી કેમકે આ માટે કોંગ્રેસ ઓછામાં ઓછી ૫૪ બેઠક મેળવવી પડે એમ છે. પરિણામો જાહેર થતાંની સાથે જ નવી દિલ્હીમાં નવી સરકાર રચવાની ગતીવીધિઓ શરુ થઈ ચૂકી છે. જેને લઈને આજે કેબિનેટની બેઠક મળી રહી છે. મહત્વનું છે કે, આગામી ૩૦ મે ના રોજ નવી દિલ્હી ખાતે શપથ સમારોહ યોજાઇ શકે છે. શપથ લેતાં પહેલાં નરેન્દ્ર મોદી વારાણસી અને ગુજરાતની પણ મુલાકાત લે એવી ચર્ચા ચાલી રહી છે.(૨૨.૨)

 

(9:59 am IST)