Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અગ્નિકાંડ : સુરત શોકમય બંધ... આક્રોશ સાથે આક્રંદ ૨3ના મોતઃ ૧૯ ગંભીરઃ ૧૨ થી વધુ બેભાન

એફએસએલની ટીમ ઘટનાસ્થળે : ત્રણ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : ટ્યુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ : બિલ્ડર સહિતના ફરારઃ આગમાં માનવ જિંદગી જ નહિં ચાર માળનું બિલ્ડીંગ પણ ખાખ

રાજકોટ, તા. ૨૫ : ખૂબસુરત અને હિરાનગરી સુરતમાં શોકની કાલીમા છવાઈ છે. ગઈકાલે સરથાણાના જકાતનાકા પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાવહ આગમાં ૨3 માનવ જીંદગી હોમાય ગઈ છે અને ૧૯થી વધુ વિદ્યાર્થીઓ મોત સામે લડી રહ્યા છે.

સુરતમાં કંપારી છોડાવી દેનાર અગ્નિકાંડમાં ૨3મોત થયા છે. આજે સુરતની હિરા બજાર, ટેકસટાઈલ બજાર સહિત મેઈન બજાર સહિત અનેક વિસ્તારોમાં શોકમય બંધ રહ્યા છે.

મૃતકોમાં વિદ્યાર્થીઓ ઋતુ સંજયભાઈ સાકરિયા, યશ્વી દિનેશભાઈ કેવડીયા,  હસ્તી હિનેશભાઈ સુરાણી, યેશા રમેશભાઈ ખડેલા, દ્રષ્ટિ વિનુભાઈ ખૂંટ, જાહનવી ચતુર વસોયા, કૃતિ નીલેશભાઈ દયાળ, માનસી પ્રવિણભાઈ વરસાણી, ગ્રિષ્મા જયેશભાઈ ગજેરા, ઇશા ક્રાંતિભાઈ કાકડિયા, જાહનવી મહેશભાઈ વેકરિયા, વંશવી જયેશભાઈ કાનાણી, ક્રિષ્ણા સુરેશભાઈ ભીડકિયા, ખુશાલી કિરીટભાઈ કોટડિયા, રુમિ રમેશભાઈ બલર, નિસર્ગ પરેશભાઈ કાતરોડિયા, મિત દિલીપભાઈ સંઘાણી, અંશ મનસુખભાઈ ઠુંમર, રુદ્ર ઇશ્વરભાઈ ડોંડાનો સમાવેશ થયાનું જાણવા મળે છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ  અને વિદ્યાર્થીનીઓની અંતિમયાત્રા મોડી રાતથી નીકળી હતી. જેમાં કાળજુ કંપાવતા આક્રંદ સાથે વ્હાલસોયાને ભારે હૃદયે વિદાય આપવામાં આવી હતી આ સમયે પથ્થરદિલ માણસ પણ તેનું આક્રંદ રોકી શકયો ન હતો.

સુરત સરથાણા વિસ્તારમાં ૪થા માળે બનાવેલો લાકડાનો દાદરો આગની લપેટમાં આવી જતાં વિદ્યાર્થીઓ પાસે નીચે ઉતરવાનો કોઈ વિકલ્પ ન રહેતા વિદ્યાર્થીઓએ ૪થા માળથી છલાંગ લગાવી હતી.

સુરતમાં આગ લાગતાં ૧૯ વિદ્યાર્થીઓ ભડથુ થઈ ગયા હતા. જેને ઓળખવા પણ મુશ્કેલ થયુ હતું. સુરત સહિત સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા સહિતના ટ્યુશન કલાસીસમાં સુરક્ષાના સાધનો અંગે તપાસ ચાલી રહી છે.

સુરતમાં લાગેલી આગમાં રાજય સરકારે સનદી અધિકારી શ્રી પુરીના માર્ગદર્શન તળે તપાસ સમિતિ રચી છે. આજે ૩ ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે તો આ કોમ્પલેક્ષના બિલ્ડર નાસી છૂટ્યા હોવાનું જાણવા મળે છે.

સુરતમાં બનેલી ગમખ્વાર ઘટનામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલીક ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે આદેશો આપ્યા છે અને મૃતકોને ૪ લાખની સહાય કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી.

સરથાણાની અગ્નિકાંડની ઘટના સમગ્ર ગુજરાત રાજયને હચમચાવી નાખનાર આ ઘટનાને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુરત દોડી આવ્યા હતા અને તેમણે સીનમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછ્યા હતા અને ઘનિષ્ઠ સારવાર આપવાના આદેશો આપ્યા હતા અને મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને સાંત્વના આપી હતી.

તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પોસ્ટમોર્ટમ કરી રાત્રે જ સ્વજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. 

આ ઘટનાને પગલે લોકરોષ ઉગ્ર બનતા રાજકારણીઓને લોકોને ધક્કે ચડાવ્યા હોવાનું જાણવા મળે છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવા માટે કેન્દ્ર સરકારે પણ તુરંત પગલા લીધા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ દિલ્હી એઈમ્સમાંથી તબીબોની ખાસ ટીમ સુરત દોડાવી છે.

(7:28 pm IST)