Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલમાં ૧૧ રૂપિયા સુધી થયેલ વધારો

કરવેરાની સમીક્ષા કરવાની તાકિદની જરૂર છે : સામાન્ય લોકોને રાહત આપવા માટે માંગ દિન પ્રતિદિન તીવ્ર બની રહી છે : મોદી સરકાર ઉપર વધતુ જતું દબાણ

નવીદિલ્હી, તા. ૨૫ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ૧૨માં દિવસે વધારો કરવામાં આવ્યો હતો. બંનેમાં ક્રમશઃ લીટરદીઠ ૩૨ અને ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યા બાદ લોકો પરેશાન છે. બીજી બાજુ સરકાર આ સમસ્યાના ઉકેલને શોધવામાં લાગેલી છે. એચપીસીએલના સીએમડી મુકેશ સુરાણાએ કહ્યું છે કે, સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર કરવેરાની સમીક્ષાની જરૂર દેખાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન જેવા ફ્યુઅલ રિટેલર્સની ચિંતા પણ વધી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મેટ્રોપોલિટનમાં સુધારા કર્યા છે. સરકાર કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસમાં છે. કિંમતોને ઘટાડવા માટે સરકાર ઓએનજીસી, ઓઆઈએલ જેવી કંપનીઓ ઉપર સેસના સ્વરુપમાં વિન્ડફેલ ટેક્સ લાગૂ કરીને સ્થિતિને કાબૂમાં લઇ શકે છે. આનો મતલબ એ થયો કે, બેરલદીઠ ૭૦ના આંકડાને પાર કરી ગયા બાદથી કમાણીને લઇને નવી ગણતરી કરવામાં આવશે. આ હિલચાલથી ઓઇલ પ્રોડ્યુસર ઉપર દબાણ વધશે. આજે તેલ કિંમતોમાં આંશિક ઘટાડો થયો હતો. સાઉદી અરેબિયા અને રશિયાએ કહ્યું છે કે, તેઓ સપ્લાયને સરળતાથી આગળ વધારવા માટે તૈયાર છે. ધર્મેન્દ્ર પ્રધાન પણ કહી ચુક્યા છે કે, વધતી કિંમતોને કાબૂમાં લેવા લાંબાગાળાના ઉકેલ ઉપર સરકાર કામ કરી રહી છે. અન્ય વિકલ્પો પણ રહેલા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કર્ણાટકમાં ચૂંટણી બાદ સતત વધ્યા છે.

(7:45 pm IST)