Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભારતમાં પહેલીવાર સુન્ની અને બિનસુન્નીઓના 'રોઝા' પણ નોખા શરૂ!

કચ્છ સિવાય ભારતના અનેક પ્રાતોમાં સુન્ની લોકોએ 'શુક્રવાર'થી રમઝાન માસ શરૂ કર્યો છે ત્યારે તેની સામે ''બિન સુન્ની'' સમાજે 'ગુરૂવાર'થી રમઝાન માસ શરૂ કરી દીધેલઃ 'ચંદ્ર દર્શન'ની આશ્ચર્યજનક ઘટનાની સાથે ભારતની મુસ્લિમ સમાજની 'અલગરોઝા' શરૂ થવાની પણ વૈચારિક ઘટના

રાજકોટ તા. ૨૫ : હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે પરંતુ ગત શુક્રવારથી તેનો પ્રારંભ થયો છે અને કચ્છમાં ગુરૂવારથી તેનો પ્રારંભ થયો છે. જેની પાછળ ચંદ્રદર્શનનો અભાવ કારણભૂત છે. એટલુ જ નહી કચ્છ સિવાય સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં પણ આ અભાવ રહેતા શુક્રવારથી પ્રથમ રોઝો શરૂ થયો છે ત્યારે દુનિયાભરમાં પણ આ વખતે એકી સાથે એક દિવસે રમઝાન માસ ગુરૂવારથી શરૂ થયો છે તેવું પહેલી વાર બન્યુ છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની વાત તો એક તરફ સમગ્ર ભારતમાં પહેલી જ વાર સુન્ની અને બિનસુન્નીઓમાં રમઝાન માસ શુક્ર અને ગુરૂથી શરૂ થયાની ઘટના ભારતમાં પ્રથમ વાર ઘટી છે.

હાલમાં ભારતમાં તમામ સુન્ની સમાજ શુક્રવારથી રોઝો કરી રહ્યા છે. બીજી તરફ ભારતભરમાં બિનસુન્નીઓ ગુરૂવારથી રમઝાન કરી રહ્યા છે.

ખૂબી તો એ છે કે ગુરૂવારે પણ ચંદ્ર આકાશમાં હતો પણ સમગ્ર ભારતના જૂદા જૂદા વિભાગમાં તેની અવધી હતી જે અવધિમાં તેના દર્શન શકય થયા નહી અને સમય સરી ગયો હતો. આથી તેના દર્શન કયાંક અશકય થયાં હતા.

જયારે કચ્છમાં એ સમય લંબાઇ જતા દર્શન શકય બની જતા કચ્છમાં ગુરૂવારથી રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મોરબી અને વાંકાનેર પણ તેના આધારે ગુરૂવારથી ચાલી રહ્યા છે.

આમ દેશભરમાં બિનસુન્ની અને સુન્ની સેમાજના લોકોના રોઝા પણ પ્રથમવાર નોખા શરૂ થયા છે.

અમદાવાદના એક અહેવાલ મુજબ આ વખતે ૧૪ જૂને સૌથી લાંબો રોઝો હશે. દરેક વખતે રોઝાનો સમય ૧૪-૧૫ કલાકથી ઓછો હોય છે. પરંતુ ૧૪ જૂને સૌથી લાંબો રોઝો ૧૫ કલાક અને ૦૬ મીનિટનો હશે. જ્યારે ૧૧ જુને શબ-એ-કદ્ર હશે, જે દરમિયાન રોઝા રાખનારાઓ રાતભર ઇબાદત કરે છે.

રોઝાને ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવ્યો છે. આ મહિને મુસ્લમાન તકવા મેળવવા માટે રોઝો રાખે છે. તકવાનો અર્થ છે અલ્લાહને નાપસંદ કામ ન કરીને તેમના પસંદના કામો કરવા. સરળ રીતે કહેવામાં આવે તો આ મહિનો મુસ્લિમો માટે સૌથી ખાસ હોય છે.

રમઝાનના મહિનાને ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે. ૧૦ દિવસના ભાગને 'રહમતોનો સમય'  (મહેરબાનીનો સમય) કહેવામાં આવે છે. ૧૦ દિવસના બીજા ભાગને 'માફીનો સમય' કહેવામાં આવે છે અને ૧૦ દિવસના અંતિમ ભાગને 'જહન્નુમથી બચવાનો સમય' (નર્કથી બચવાનો સમય) કહેવામાં આવે છે.

હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે જેનો આજે શુક્રવારે ૮મો રોઝો છે અને બીજો શુક્રવાર છે હજુ ત્રણ શુક્રવાર બાકી છે તે પસાર થઇ જતા તે પછી ઇદ ઉજવણી થશે.(૭.૨૯)

૨૮મી મેના સુર્ય બરાબર કા'બા શરીફ ઉપર હશે

કરાંચી તા. ૨૫ : સુરજ આગામી ૨૮ મી મેના રોજ સાઉદી અરેબિયામાં પવિત્ર મકકા શહેરમાં આવેલ ખુદાના ઘર 'કા'બા શરીફ' ઉપરથી બરાબર પસાર થશે. જેના લીધે 'કિબ્લા'(મકકા શરીફ)ની ચોકકસ દિશા નકકી કરી શકાશે.

ભારતીય સમય મુજબ બપોરે ૨-૪૮ વાગ્યે સુરજ બરાબર કા'બા શરીફ ઉપર રહેશે. આ સમયે દુનિયાભરમાં પ્રતિબિંબોની દિશા કા'બા શરીફની તરફમાં હશે. જયારે કે આ તબકકે કા'બા શરીફનો પડછાયો નહી હોય તેનાથી કિબ્લાની દિશા ચોકકસ કરી શકાશે.

૨૮મેના નિયત સમય ઉપર જમીન ઉપર એક લાકડી ખોડી દેવામાં આવે અથવા કોઇ ઇમારતના ખુણાને પસંદ કરવામાં આવે અને જયારે ઉપરોકત સમય આવશે ત્યારે તેના પડછાયા ઉપર એક રેખા ખેંચી લેવામાં આવે. ફરીવાર સુરજ ૧૬ મી જૂલાઇના કા'બા શરીફ ઉપરથી પસાર થશે.

સૌથી લાંબો 'રોઝો' રર કલાક અને ઓછો ૧૦ કલાકનો

કાનપુર તા. ૨૫ : ચંદ્ર દર્શનના લીધે ભારતમાં ભલે ભૂલ ભરેલી સ્થિતિ રહી હોય પણ સુરજની ગતિના કારણે પણ સમયમાં ફેરફાર હોય છે.

ફિનલેન્ડ દેશમાં રર કલાક તો ચીન દેશમાં માત્ર ૧૦ કલાકનો રોઝો રાખવામાં આવે છે. ભારતમાં આ અવધી સાડા પંદર કલાકની છે. સુર્યાસ્ત અને સુર્યોદય આ અવધી નકકી કરે છે.

ઉતરીય ફીનલેન્ડમાં સુર્ય માત્ર પપ મિનીટ માટે જ ઉગે છે. સવારે ૩-૩૮ વાગ્યે સહરી (પરોઢીયે ભોજન) અને રાત્રે ૧૨-૪૮ વાગ્યે ઇફતાર (રોઝો છુટે) રહે છે. આમ રર કલાક ૨૩ મીનીટનો રોઝો રહે છે.

જયારે નોર્વેમાં ૨૦, કેનેડા લંડનમાં ૧૮ કલાક ૧૫ મીનીટ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં ૧૬ કલાક, સાઉદી અરેબિયામાં ૧૫ કલાકનો રોઝો હોય છે. સુદાનમાં સાડા ચૌદ કલાક, યમનમાં ૧૪ કલાક, મલેશિયા સિંગાપોરમાં સાડા તેર કલાક, ઓસ્ટ્રેલીયામાં સાડા અગીયાર કલાક અને ચિલીમાં ૧૦ કલાકનો રોઝો હોય છે.

'લૂ' વચ્ચે રોઝા થતા મુસ્લિમોની અગ્નિપરીક્ષા

અમદાવાદ તા. ૨૫ : રાજયમાં ૪૨ થી ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ત્યારે આવી આકરી ગરમીમાં રોઝેદારોની અગ્નિપરીક્ષા શરૂ થઇ છે. પરંતુ અલ્લાહના નેકબંદાઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોઝા રાખી અલ્લાહને રાજી કરવાના પ્રયત્નો કરે છે. રમઝાન માસ શરૂ થતા ૧૧ માસથી વેરાન મસ્જિદોમાં અચાનક રોનક આવી ગઇ. નમાઝીઓના ટોળેટોળા વિવિધ મસ્જિદો અને ઇબાદતગાહોમાં ઇશા અને તરાવીહની નમાઝ અદા કરવા ઉમટી પડયા હતા. ઉનાળામાં દિવસ લાંબો અને રાત્રી ટુંકી હોવાથી રોઝા ખૂબ આકરા રહ્યા છે. એમાંય ધગધગતા અંગારા વરસાવતી ગરમીમાં રોઝા રાખવા ખરેખર ખૂબ જ કઠીન છતા જેઓ વરસોથી રોઝા રાખવા ટેવાયેલા છે તેમના માટે ગરમીમા કોઇ વિસાત ન હતી અને હસતે હસતે રોઝા પુર્ણ કર્યા હતા. આમેય ઠંડીના રોઝા કરતા ગરમીના રોઝાની ફઝીલત અને સવાબ વધુ છે. આથી જેઓ માત્ર ને માત્ર અલ્લાહને રાજી રાખવા જ ઇબાદત કરે છે તેઓને ગરમીના રોઝા વધુ પસંદ છે.

દુબઇમાં ભોજન ભરેલા ફ્રીજ રસ્તા ઉપર રખાયા

દુબઇ તા. ૨૫ : રમઝાન માસમાં લોકો પુણ્ય પ્રાપ્ત કરવામાં મશગુલ હોય છે ત્યારે દુબઇ શહેરમાં પણ આવો અનોખો અંદાજ જોવા મળ્યો છે.

દુબઇમાં રમઝાન દરમિયાન લોકોએ ભાવતા ભોજન ભરેલા ફ્રીજ ઘરની બહાર મુકયા છે અને તેનાથી જરૂરીયાતમંદ ગરીબ લોકો સહેરી ઇફતારી કરી શકે છે અને હાલમાં લોકો વધુ આવે છે અને તેનો લાભ ઉઠાવી રહ્યા છે.

(4:26 pm IST)