Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હવે આધાર નંબરની જરૂર નહીં પડેઃ જુનથી વર્ચ્યુઅલ આઈડીથી થઈ શકશે વેરીફીકેશન

UIDAI દ્વારા આધાર કાર્ડના ગેરઉપયોગની વ્યાપક ફરીયાદો બાદ પગલુઃ વધુ સુરક્ષીત બનશે આધારઃ વર્ચ્યુઅલ આઈડીની અવધી ૨૪ કલાક રહેશે

નવી દિલ્હી, તા.૨૫: આધાર કાર્ડના ગેરઉપયોગની સતત ફરીયાદો બાદ UIDAI એ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જે ૧ જુનથી લાગુ થશે. જેનાથી હવે આધારકાર્ડ નહીં પણ વર્ચ્યુઅલ આઈડી દેવાથી કામ થઈ શકશે. જેથી આધારના ગેરઉપયોગની શકયતા લગભગ પુરી થઈ જશે. આધાર કાર્ડથી લોકો વિવિધ સરકારી, અર્ધ સરકારી યોજનાઓ લાભ લ્યે છે અને વેરીફીકેશન માટે પણ આધાર અનિવાર્ય થતા તેના ગેરઉપયોગની પણ વ્યાપક ફરીયાદો સામે આવતા સરકાર વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવા જઈ રહી છે. આધાર કાર્ડની અંગત માહિતી અને આંકડાની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ નથી કે આધાર કાર્ડ કાયદેસર નહીં ગણાય પણ હવે તેને વારંવાર બતાવવાની જરૂર નહીં રહે.

વર્ચ્યુઅલ આઈડી (વીઆઈડી)થી કોઈપણ વ્યકિત ખાનગી અને સરકારી સંસ્થાઓમાં પોતાનો આધાર કાર્ડ નંબર આપ્યા વિના ટ્રાન્ઝેકશન અને ઈ- કેવાયસીનું વેરીફીકેશન કરી શકશે. વીઆઈડીમાં ૧૬ આંકડાનો હંગામી નંબર મળશે. જે ગમે ત્યારે જનરેટ કરી શકાશે. કોઈપણ જગ્યાએ પ્રમાણીકરણ માટે આધાર નંબરની જગ્યાએ તેની જેમ જ વીઆઈડી નંબરનો ઉપયોગ થઈ શકશે. વીઆઈડી નંબર યુઆઈડીએઆઈના પોર્ટલ ઉપરથી જનરેટ કરી શકાશે. આને આધાર કાર્ડનું કલોન પણ કહી શકાય. જેમાં વ્યકિતની એટલી જ માહિતીઓ હશે જે વેરીફીકેશન માટે જરૂરી હશે.

વર્ચ્યુઅલ આઈડીને UIDAI ના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડીઝીટલ આઈડી હોવાથી વ્યકિત તેને વારંવાર જનરેટ કરી શકશે. જો કે એક વખત વર્ચ્યુઅલ આઈડી જનરેટ કર્યા બાદ તે ૨૪ કલાક સુધી એકટીવ (માન્ય) રહેશે. જે આધારને વધુ સુરક્ષીત બનાવશે. વીઆઈડી જનરેટ કરવા માટે UIDAIના હોમ પેજ ઉપર આધાર સેવાઓ હેઠળ વીઆઈડી જનરેટરમાં જઈ આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ સીકયોરીટી કોડ નાખી SEND OTP કલીક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર સાથે જોડાયેલ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર OTP મોકલવામાં આવશે. જે નાખ્યા બાદ વીઆઈડી જનરેટ થઈ શકશે. વીઆઈડીનંબર પણ રજીર્સ્ટડ મોબાઈલ નંબર ઉપર મળશે, જે ૧૬ આંકડાનો રહેશે.

(4:05 pm IST)