Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફડણવીસનો ટોણો

બાળા સાહેબની શિવસેનાએ કયારેય પીઠ પાછળ ખંજર ભોંકયુ ન હતું

મુંબઈ, તા. ૨૫ :. મહારાષ્ટ્રના ભાજપી મુખ્યમંત્રી શ્રી ફડણવીસે કહ્યુ કે બાળાસાહેબના વખતમાં શિવસેના કોઈ પણ મુદ્દે સામે લડતી, કમનસીબે અત્યારની શિવસેના પીઠ પાછળ ઘા કરે છે.

ગઠબંધનના ભાગીદાર શિવસેના વિરૂદ્ધ અભિયાન છેડતા મુખ્ય પ્રધાન ફડણવીસે ગુરૂવારે કહ્યુ કે સ્વ. ચિંતામણી વનાગાની કુટુંબને તોડીને સેનાએ ગંદુ રાજકારણ ખેલ્યુ છે. પાલઘાટ જીલ્લાના જાવહરમાં રેલીને સંબોધતા તેમણે કહ્યુ કે હાર હોય કે જીત હોય ચિંતામણીએ ભાજપાના કલ્યાણ સિવાય બીજુ કંઈ વિચાર્યુ જ નહોતું.

આ વિસ્તારના આદિવાસીઓના પ્રશ્નો અને વિકાસ અને હક્કો બાબતે ખાતરી આપતા તેમણે કહ્યુ કે ડીસેમ્બર ૨૦૧૯ સુધીમાં કોઈ આદિવાસી જંગમાં જમીન વિહોણો નહી હોય. તેમણે કહ્યુ કે આદિવાસીઓની હિજરત રોકવાના પ્રયત્નો અમે ચોક્કસ કરીશું. તેમણે ઉમેરતા કહ્યું કે કુપોષણની સમસ્યા શૂન્ય પર લાવવા સરકાર કટીબદ્ધ છે. તેમણે જુદી જુદી પોષણની સ્કીમો વિશે વાત કરતા કહ્યુ કે સભ્ય સમાજમાં કુપોષણથી મૃત્યુ સ્વીકાર્ય નથી.

પાલઘરમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા વિશે તેમણે કહ્યુ કે, ગામડાઓ પાણી સમસ્યા ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. પીવાના પાણી અને ખેતી માટેના પાણી માટે આ વિસ્તારમાં જલયુકત શિવર પ્રોજેકટ ચલાવાશે. જેનાથી સમસ્યાનું નિરાકરણ આવશે.

(4:35 pm IST)