Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૨૦૦ અને ૨૦૦૦ની ગંદી-ફાટેલ નોટો હવે બદલી દેવામાં આવશે

રીઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યાઃ ટુંક સમયમાં અમલ

નવી દિલ્હી તા.૨૫: થોડા દિવસોમાં રૂ. ૨૦૦૦ અને ૨૦૦રૂપિયાની ગંદી ફાટી ગયેલી નોટ બદલી આપવાની કોઇપણ બેંક ના નહી પાડી શકે. રિઝર્વ બેન્કે હાલના નોટબદલીના નિયમમાં જરૂરી ફેરફારો કરી નાખ્યો છે. જોકે તેને અમલમાં મુકવાનું હજુ બાકી છે.

આર.બી.આઇ.ના હાલના કાયદામાં ફકત ૧,૨,૫,૧૦,૫૦,૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બદલવાની જ જોગવાઇ છે. કાયદામાં એવી કોઇ જોગવાઇ જ નથી કે જેના આધારે બેંકો ૨૦૦૦ અને ૨૦૦ રૂપિયાની ગંદી , જુની કે ફાટેલી નોટો બદલી શકે.

નોટ બદલવાનો કાયદો આરબીઆઇ એકટની ધારા ૨૮માં આવે છે. જેમાં નોટબંધી પહેલા જે નીયમ હતો તેમાં રીઝર્વ બેંકે કોઇ ફેરફાર નહોતો કર્યો.

 સુત્રો પ્રમાણે આ બાબતનો મુસદો તૈયાર કરીને ૨૦૦ અને ૨૦૦૦ ની નોટબદલી પણ ઉમરી દેવાઇ છે.પ્રાથમિક મુસદો નાણામંત્રાલયમાં મોકલી આપ્યો છે. સરકાર કાયદો બનાવીને નોટીફીકેશન જાહેર કરે એટલે આ નોટો બદલવામાં પડતી મુશ્કેલીઓ દુર થશે.

૨૦૦૦ રૂપિયાની નોટ નવેમ્બર ૨૦૧૬ અને ૨૦૦ રૂપિયાની નોટ સપ્ટેમ્બર ૨૦૧૭માં બહાર પાડવામાં આવેલ છે.

(3:56 pm IST)