Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

'બેવફા' એનઆરઆઇ પતિઓને વેબસાઇટ પર સમન્સ મોકલવાની વિચારણા

વિદેશમાં રહેતા પ્રવાસી ભારતીય સાથે લગ્ન કરીને તરછોડાયેલ કે હેરાન થયેલ મહિલાઓને ન્યાય અપાશે

નવી દિલ્હી તા.૨૫: બેવફા એનઆરઆઇ પતિઓને વિદેશ મંત્રાલયની વેબસાઇટ દ્વારા સમન્સ મોકલવાની વિચારણા ચાલે છે જેથી તેઓ સમન્સ નકારીને કાનુની કાર્યવાહીથી બચી ન શકે.

 વિદેશમાં રહેતા પ્રવાસી ભારતીયો સાથે લગ્ન કરીને તરછોડાયેલ કે હેરાન થયેલ મહિલાઓને ન્યાય અપાવવા અને દગો દેનારને કાનુની સબક શીખડાવવા માટે સરકાર આ પ્રક્રિયા અપનાવવા વિચાર કરી રહી છે.

સરકારને લગ્નજીવનના વિવાદો અને દગો આપવાની ફરીયાદો મળી રહી છે. જેમાં પતિ હાજર ન થવાના કારણે કેસ લાંબો ચાલે છેે તેનાથી પરિણીતા મહિલા અને તેના બાળકોનું ભાવિ અધ્ધરતાલ રહે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આવા લોકો પર કાનુની શિકંજો કસવા સરકારે પુરી તૈયારી કરી લીધી છે. આ માટે પત્નીઓને હેરાન કરના પતિ વિરૂધ્ધ લુક આઉટ સર્કયુલર બહાર પડાય છે. જેથી તે ભારતમાં પ્રવેશે એટલે તરત તેને પકડી શકાય.

 અધિકારીએ કહયું કે આવા એનઆરઆઇ પતિઓને કાયદા સમક્ષ લાવવા માટે જ વિચારાઇ રહયું છે કે તેમની સામેનો સમન્સ વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર મુકવો અને વેબસાઇટ પર મુકાયેલ સમન્સને બજવણી થઇ ગઇ તેમ માનવું.

જોકે આ બાબતે કોઇ અંતિમ નિર્ણય નથી લેવાયો. આમાં જોડાયેલ બાળ અને મહિલા વિકાસ, વિદેશ અને કાનુન જેવા અલગ અલગ મંત્રાલયો વચ્ચે વિચાર વિમર્શ થઇ રહયો છે. અને કાયદાકીય બારીકીઓનો અભ્યાસ કરાઇ રહયો છે. આ માટે ગયા મહિને ત્રણે મંત્રાલયો વચ્ચે એક બેઠક થઇ હતી અને ટુંક સમયમાં એક વધુ બેઠક થશે.

(3:55 pm IST)