Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કેનેડા : ટોરન્ટોમાં ભારતીય રેસ્ટોરન્ટ બોમ્બે ભેળમાં બ્લાસ્ટઃ ૧૫ ઘાયલ, ૩ની હાલત ગંભીર

ટોરન્ટો તા. ૨૫ : કેનેડાના ટોરન્ટોમાં ભારતીય રેસ્ટોરન્ટ બોમ્બે ભેળમાં થયેલા એક વિસ્ફોટમાં ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં ૩ની હાલત ગંભીર છે. પીલ ડિસ્ટ્રિકટ પોલીસે ટ્વિટર પર આ માહિતી આપતા લખ્યું હતું કે બે શંકાસ્પદ લોકો આમાં સામેલ હોય તેવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પોલીસે ટ્વિટ કર્યું હતું કે આ ઘટના બન્યા બાદ બે વ્યકિત તાત્કાલિક ત્યાંથી જતી રહી હતી. જેમાં એ ૨૦ વર્ષની આસપાસનો ૫ ફૂટ ૧૦ ઈંચથી છ ફૂટની ઊંચાઈ ધરાવતો વ્યકિત હતો જેણે વાદળી જીન્સ અને કાળા રંગનો કોટ પહેર્યો હતો. આ ઉપરાંત તેણે માથા પર આછા રાખોડી રંગની બેઝબોલ કેપ પણ પહેરી હતી.

પેરામેડિક સર્વિસના પ્રવકતાએ કહ્યું હતું કે ધડાકામાં ત્રણ વ્યકિતને ગંભીર ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઓન્ટારીયોમાં આવેલી આ રેસ્ટોરંટનું નામ બોમ્બે ભેલ છે. આ ઉપરાંત ૧૨ લોકોને ઈજા થઈ હતી પરંતુ તેમની ઈજા ગંભીર નથી.

પોલીસે કહ્યું હતું કે તેમને સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૦.૩૦ કલાકે હુરોન્ટારિયો અને એગ્લિન્ટન એવ ખાતેથી બ્લાસ્ટના સમાચાર મળ્યા હતા. નોંધનીય છે કે ટોરંટોમાં એક મહિના પહેલા પણ હુમલો થયો હતો. જેમાં એક ડ્રાઈવરે પોતાની ગાડી ટોળા પર ચઢાવી દીધી હતી જેમાં ૧૦ લોકોના મોત નિપજયા હતા અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

(5:34 pm IST)