Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કેરળના ૪ જિલ્લામાં નહિ જવા ગુજરાત સહિત દેશના અડધો ડઝન રાજ્યોમાં એલર્ટ

કર્ણાટકમાં 'નિપાહ' વાયરસના ૨ શંકાસ્પદ કેસોઃ કોઝીકોટ - મલાપુરમ - વાયનાડ - કન્નુર સહિત

નવી દિલ્હી તા. ૨૫ : કેરળમાં ગુરૂવારે કોઝિકોડ જિલ્લાના સુપ્પીક્કડા ગામના વાલાચુકેટ્ટિલ પરિવારના ચોથા સભ્યનું આ ઘાતકી વાઈરસના કારણે મોત થયું હતું. જિલ્લાના આરોગ્ય અધિકારી વી જયશ્રીએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્ય ૬૦ વર્ષીય વી મુસાનું શહેરની બેબી મેમોરિયલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. મુસાના પરિવારમાં નિપાહ વાઈરસના કારણે આ ચોથું મોત છે.

આ પહેલાં મુસાના પુત્રો મોહમ્મદ સાબિથ અને મોહમ્મદ સાલિહ તથા ભાભી મરિયમનું નિપાહ વાઈરસના કારણે મોત થયું હતું. આ સાથે જ કેરળમાં નિપાહ વાઈરસના કારણે થયેલા મોતનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે. નિપાહ વાઈરસનો ભોગ બનેલા ૧૫ વ્યકિતની હાલ સારવાર ચાલી રહી છે.

દરમિયાન કેરળ ઉપરાંત ચાર રાજયોમા નિપાહ વાઈરસ સામે સાવચેતી રાખવા એલર્ટ જારી કરાયું છે. જેમાં ગુજરાત, જમ્મુ-કાશ્મીર, ગોવા, રાજસ્થાન અને તેલંગણાનો સમાવેશ થાય છે.

કેરળ સરકાર દ્વારા કોઝિકોડ, મલાપુરમ, વાયનાડ અને કન્નૂર જિલ્લામાં નહીં જવા લોકોને સલાહ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં સૌથી વધુ નિપાહના દર્દી જોવા મળ્યાં છે.

કર્ણાટકના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મગજને નુકસાન કરતાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. કેરળની મુલાકાત લઇ પરત આવેલા ૨૦ વર્ષીય મહિલા અને ૭૫ વર્ષીય વૃદ્ઘને મેંગ્લોરમાં અત્યારે સારવાર અપાઇ રહી છે. તેઓ નિપાહના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાની શંકા છે. બીજી તરફ હિમાચલપ્રદેશના નાહન જિલ્લાના બર્માપાપડી ગામમાં સિનિયર સેકન્ડરી સ્કૂલમાં એક વૃક્ષ પર વસવાટ કરતાં ડઝનો ચામાચીડિયાના અચાનક મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃત ચામાચીડિયાના સેમ્પલ તપાસ માટે પુના અને જલંધર મોકલી આપ્યાં હતાં.

(12:32 pm IST)