Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પીઓકેમાં ટ્રેનિંગ કેમ્પ, ૧૫૦ આતંકીઓ હાજર

ભારત વિરૂધ્ધ ISIનું ભયાનક ષડયંત્ર

નવી દિલ્હી તા. ૨૫ : ગુજરાતીમાં કહેવત છે કે કુતરાની પૂંછડી વાંકી તે વાંકી. આ કહેવત પાડોશી દેશ પાકિસ્તાન પર પૂર્ણ રીતે બંધ બેસે છે. રણભૂમીમાં ગમે વારંવાર માર ખાઇ ચુકેલુ પાકિસ્તાન પોતાની આતંકી પ્રવૃતિ છોડવા તૈયાર નથી. ત્યારે યુદ્ઘવિરામ બાદ હવે પાકિસ્તાન ભારત વિરૂદ્ઘ એક નવા ષડયંત્રમાં લાગી ગયું છે. સૂત્રો મુજબ આઇએસઆઇ દ્વારા જૈશના ૧૫૦ આતંકવાદીઓને પીઓકેમાં તાલીમ પણ અપાઇ રહી છે.

પાકિસ્તાન રમઝાનના મહિનામાં પોતાના નાપાક હરકતો સુધારવાનું નામ લઇ રહ્યું નથી. તે સરહદી વિસ્તારોમાં ભારતીય ગામડાઓમાં વસતા નાગરીકોને નિશાન બનાવી રહ્યું છે. ગુપ્ત જાણકારી મુજબ એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સામાન્ય લોકોને નિશાન બનાવવામાં લાગ્યું છે તો બીજી તરફ કાશ્મીર ખીણમાં તેણે અલગ જ પ્લાન બનાવ્યો છે.

ગુપ્ત જાણકારી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ હવે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પર વધુ વિશ્વાસ કરી રહી છે. જેથી આ આતંકવાદીઓને આત્મઘાતી ટુકડીમાં મોકલી કાશ્મીર ખીણમાં મોટા હુમલાને અંજામ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આઇએસઆઇ દ્વારા પીઓકેના નયાલીમાં જૈશના ૧૫૦ આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. તેમની સરહદ પાર ભારતમાં મોકલવાનું ષડયંત્ર ઘડાઇ રહ્યું છે. આ તાલીમમાં આ આતંકવાદીઓનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે. જેની જવાબદારી જૈશના સેકન્ડ ઇન કમાન્ડ અબ્દુલ રઉફને સોંપવામાં આવી છે. રઉફ નયાલીમાં ઘણી વખત આતંકી કેમ્પની મુલાકાત લઇ ચુકયો છે.(૨૧.૮)

 

(11:49 am IST)