Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૯ - ૯ દિવસ ગોળીબાર - તોપમારા પછી સરહદ શાંત : પાકિસ્તાન હાંફી ગયું

પાકિસ્તાનની નાલાયકોને લીધે ૧૧ મોત - ૬ને ઇજા

જમ્મુ તા. ૨૫ : સતત નવ દિવસ સુધી ગોળીબાર અને મોર્ટારમારા બાદ જમ્મુ-કાશ્મીર સરહદે ગુરુવારે પાકિસ્તાને વિરામ લીધો હોવાનું બીએસએફના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં એલઓસી પર કરવામાં આવેલો સતત ગોળીબાર અને તોપમારામાં ૧૧ વ્યકિતનાં મોત થયા હતા અને ૬૦ ઘાયલ થયા હતા.

જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ બુધવારની રાત્રે રાજૌરી જિલ્લાના લામ અને નૌશેરા સેકટરમાં આખી રાત પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ ચાલુ રહ્યું હતું. જેમાં એક નાગરિકને ઇજા પહોંચી હતી.

પાકિસ્તાન દ્વારા ભારતીય સીમા પર કરવામાં આવેલા ભારે મોર્ટરમારા અને ફાયરિંગને પરિણામે પાંચ નાગરિક મૃત્યુ પામ્યા હતા અને અન્ય ૧૪ને ગંભીર ઇજા પહોંચી હતી, પાકિસ્તાને જમ્મુ-કઠુઆ, સામ્બા અને રાજોરી ક્ષેત્રમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધી હતી.

પાકિસ્તાનના પાછલા ૯ દિવસના ફાયરિંગ અને મોર્ટર મારાને પરિણામે જમ્મુ-કાશ્મીરના સરહદ પરના ગામો ખાલી કરાવાયા છે એક લાખથી વધુ ગ્રામવાસીઓ પોતાના રહેણાંક ક્ષેત્ર ભયને કારણે છોડી ગયા છે.

કઠુઆ, સામ્બા, જમ્મુમાં રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે. એરેના ૧૮૫૦૦ની વસતી ધરાવતું ગામ ભેંકાર ભાસી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સ્કૂલ, સરકારી કચેરી, પશુપાલન કાર્ય, ખેતી સંપૂર્ણ કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે. ૨૦૦ શિક્ષણ સંસ્થાઓ પાછલા પાંચ દિવસથી બંધ છે.

(11:43 am IST)