Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મધ્યપ્રદેશમાં ભાજપને લપડાક પડવાનો ભય : રાજસ્થાનમાં પણ સ્થિતિ ગંભીર

રાજસ્થાનમાં કોંગ્રેસને વધુ મતો મળવા ધારણા : આનંદીબેનની મ.પ્ર.માં નિમણૂંક ખૂબ જ સૂચક મનાય છે : અમિતભાઇ સતત અડીંગો જમાવશે

નવી દિલ્હી તા. ૨૫ : કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા સત્તાથી દુર રહેનાર ભાજપ માટે મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી પણ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારના ૪ વર્ષ પુર થવા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે આ વર્ષના અંતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હાલત પહેલાથી ખરાબ છે.

સર્વે પ્રમાણે રાજસ્થાનમાં બીજેપીને ૩૯ ટકા, કોંગ્રેસને ૪૪ ટકા અને અન્યને ૧૭ ટકા વોટ મળવાના અણસાર છે. ત્યારે પાછલી ચૂંટણીની વાત કરીએ તો ૨૦૧૩માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ૪૫.૧૭ ટકા, કોંગ્રેસને ૩૩.૦૭ ટકા અને અન્યને ૨૧.૭૬ ટકા વોટ મળ્યા હતા. ૨૦૦ સીટો વાળી આ વિધાનસભામાં બીજેપીના ખાતામાં હમણા ૧૬૩ સીટો છે.

સર્વેના પ્રમાણે મધ્ય પ્રદેશમાં બીજેપીને નુકશાન થતુ દેખાઈ રહ્યુ છે. સર્વેની માનીએ તો બીજેપીને ૩૪ ટકા, કોગ્રેસને ૪૯ ટકા અને અન્યને ૧૭ ટકા વોટ મળવાના અણસાર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં વોટ શેયરની વાત કરીએ તો બીજેપીને ૪૪.૮૮%, કોંગ્રેસને ૩૬.૩૮% અને અન્યને ૧૮.૭૪% વોટ શેયર મળ્યા હતા.

૨૩૦ સીટો વાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં બીજેપીના ખાતામાં હમણા ૧૬૫, તો કોંગ્રેસના ખાતામાં ૫૮ સીટો છે. આ સર્વે ૨૮ એપ્રિલ ૨૦૧૮ થી ૧૭ મે ૨૦૧૮ વચ્ચે ૧૯ રાજયોમાં ૭૦૦ જગ્યાઓની ૧૭૫ વિધાનસભા સીટો પર કરવામાં આવ્યો. આ સર્વે દરમ્યાન ૧૫૮૫૯ લોકોની સલાહ લેવામાં આવી છે.(૨૧.૧૩)

(11:39 am IST)