Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પાંચ મુદ્દે પરેશાન ટ્રાન્સપોર્ટરોએ હડતાલનો ધોકો પછાડયો

દરરોજ વધતા ડીઝલના ભાવ, દર એપ્રીલે ટોલનાકામાં ૧૦ ટકાનો વધારો, થર્ડ પાર્ટી વિમામાં ૬૦૦ ટકા પ્રીમીયમ વધારો, ઇ-વે-બીલ તથા RTO અને પોલીસના પ્રશ્ને ત્રાહિમામઃ ૨૦મી જુલાઇથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય : ટ્રાન્સપોર્ટરો ભીંસમાં મૂકાતા આમઆદમી પણ મુશ્કેલીમાં મુકાશે

રાજકોટ તા. ૨૫ : દેશના ટ્રાન્સપોર્ટરો હાલમાં અનેકવિધ સમસ્યાઓથી પરેશાન છે. કેન્દ્ર સરકાર પાંચ મહત્વના પ્રશ્નો ઉપર ધ્યાન આપતી ન હોવાની લાગણી સાથે ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટસ કોંગ્રેસ દ્વારા ૨૦મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું એલાન આપ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવો, ટોલ ટેક્ષ અને જીએસટીના લીધે ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ટ્રાન્સપોર્ટરની વાત સાંભળતી નથી, જેના લીધે તાજેતરમાં દીલ્હી ખાતે મળેલી મીટીંગમાં ૨૦મી જૂલાઈથી અચોકકસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરાયું છે.

ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ હીતેન વસંતે જણાવ્યુ હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે. અત્યારે આ ભાવ વધારા તથા ટોલ ટેક્ષના લીધે પોસાતુ નથી. ગુજરાતમાં કુલ ૧૧,૨૧,૪૯૯ ટ્રક, ટેન્કર, થ્રી-વ્હીલર તથા બીજા નાના વાહનો છે. આ વાહનોમાં રોજીંદી જીવન જરૂયિાતની ચીજવસ્તુઓ તથા એક રાજયમાંથી બીજા રાજયોમાં માલની હેરાફેરી કરવામાં આવતી હોય છે.

પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ તો વધે છે પણ સરકાર અમને ભાવમાં વધારો કરવાની પરવાનગી આપતી નથી. આ સંજોગોમાં કેટલાય ટ્રાન્સપોર્ટરોએ તેમના ભારે વાહનો બગડયા હોવાનું કહીને બંધ કરી દીધા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે ટોલ ટેક્ષ અને જીએસટીના લીધે મોટાભાગના ધંધા ઠપ જેવા થઈ ગયા છે. પહેલા કરતા અત્યારે માલની હેરાફેરી માત્ર ૪૦ ટકા થઈ ગઈ છે. જો આમ ભાવ વધતા રહેશે તો આગામી દિવસોમાં મોટાભાગના ટ્રાન્સપોર્ટરો શટર પાડી દે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

કર્ણાટકમાં ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યાં સુધી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહીં પરંતુ જેવું પરિણામ આવ્યું એના બીજા દિવસથી સળંગ ૧૦ દિવસથી પેટ્રોલિયમ કંપનીઓએ એકધારો ભાવ વધારો ઝીંકયો છે. આના કારણે ટ્રાન્સપોટરોને તો મોંઘુ પડી રહ્યું છે પરંતુ સાથે જ જીવન જરૂરી વસ્તુઓની કિંમતોમાં પણ આકરો વધારો થવાનો. તેના કારણે સામાન્ય નાગરિક વધુ ભીંસાશે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ અગ્રણી હસુભાઇ ભગદેવનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ડીઝલનો ભાવ આજે રૂ. ૭૩.૫૦ પૈસા થઇ ગયો છે. જે કોઇ હિસાબે પોષય તેમ નથી. બીજી તરફ દર એપ્રિલ માસની પ્રથમ તારીખે નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા ૧૦ ટકાનો વધારો અસહ્ય છે. થર્ડ પાર્ટી વિમામાં તાજેતરમાં ૬૦૦ ટકાનો પ્રીમીયમ વધારો થયો જે કમ્મરતોડ છે.

ઇ-વે-બીલમાંજો વેપારીની ભૂલથી ગાડી પકડાય તો ૫૦ ટકા પેનલ્ટી છે અને જે ઓનલાઇન પેમેન્ટ પાર્ટી કરે તો રીફંડેબલ છે અને જો ટ્રાન્સપોર્ટ પેમેન્ટ કરે તો નોન-રીફંડેબલ છે. ગાડીનું બેંક હાઇપોથીકેશન કેન્સલ કરવા માટેની ફી ૩૦૦૦ કરી દેવાઇ છે. આ ઉપરાંત ગાડી રજીસ્ટ્રેશનમાં જાય ત્યારે રેડીયમ પટ્ટી લગાવવાના રૂ. ૫૦૦૦ ખંખેરાય છે જે અસહ્ય છે.

દરમિયાન રાજકોટના અન્ય ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવ્યું હતું કે, મુખ્ય પાંચ પ્રશ્ને ટ્રાન્સપોર્ટર ભારે મુશ્કેલી સહન કરી રહ્યો છે ત્યારે હાઇવે ઉપર આરટીઓ તથા પોલીસની અન્ય જોહુકમી પણ સહન કરવી પડે છે તે દાઝયા પર ડામ સમાન છે.(૨૧.૧૫)

 

(11:07 am IST)