Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

૧૦૦ કેદીઓને આચારસંહિતા નડી ગઇઃ દિકરી કે બહેનનું કન્યાદાન કરવા નહિ જઇ શકે

ભોપાલ, તા.૨પઃ એક બાજુ લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યાં લગ્નની સિઝન પણ ચાલે છે. ચૂંટણીની આચાર સંહિતા પણ ચાલે છે. મધ્યપ્રદેશના ચૂંટણી પંચના એક આદેશથી જેલમાં વાતાવરણ ગરમાયું છે. આ આદેશ મુજબ, અત્યારે કેદીઓને પેરોલ પર જવાની મંજૂરી આપવામાં નહીં આવે, આ આદેશથી એ કેદીઓ ચિંતામાં આવી ગયા છે, જેમના દીકરા કે દીકરીનાં લગ્ન છે. એ પિતાઓ શું કરે, જેમને પોતની દીકરીનું કન્યાદાન કરવાનું છે?

ભોપાલ સેન્ટ્રલ જેલમાં આવા સંખ્યાબંધ કેદીઓ છે. એક હત્યા કેસમાં સજા કાપી રહેલ સલીમે જણાવ્યું કે, તેની દીકરીનાં ૨૬ એપ્રિલે શાજાપુરમાં લગ્ન છે, પરંતુ પંચના આદેશના કારણે તેને પેરોલ ન મળી શકયા. સલીમ સાથે એવા પણ બીજા ૫ કેદીઓ સેન્ટ્રલ જેલમાં છે, જેમની દીકરી, બહેન કે કોઇ નજીકના સંબંધીનાં લગ્ન છે. બધા જ કેદીઓએ પેરોલ માટે અરજી હતી છે. જેલ તંત્ર દ્વારા બધી જ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચના આદેશના કારણે તેમને મંજૂરી ન આપી.

ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશમાં ૧૩૦ જેલ છે. જેમાંથી ૫ ઓપન જેલ છે, ૩૮ જિલ્લા જેલ છે, ૧૧ સેન્ટ્રલ જેલ છે અને ૮૫ ઉપજેલ છે. આ જેલોમાં કુલ ૧૮ હજાર કેદીઓ બંધ છે. દર વર્ષે ૪ હજાર કેદીઓને પેરોલ મળે છે.

ભોપાલ સેન્ટ્રલ જેલ સિવાય રાજયની વિવિધ જેલોમાં લગભગ ૧૦૦ એવા કેદીઓ છે, જેમને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જવાનું છે. ભોપાલ સેન્ટ્રલ જેલના સુપ્રિરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, જે કેદીઓની પેરોલની અરજી આવી છે, તે અરજીને ચૂંટણી પંચ પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. જો મંજૂરી મળી જશે તો પેરોલ આપી દેવામાં આવશે.

(3:49 pm IST)