Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બુલેટ ટ્રેન પ્રોજેકટ

દરિયામાં ટનલ નિર્માણનું ટેન્ડર જારી

૧ર૮૦ દિ'માં કામ પુરૂ કરવાનું રહેશેઃ જમીનથી ર૦-૪૦ મીટર નીચે બનશે ટનલ

નવી દિલ્હી, તા. રપ : ધ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ દેશની પહેલી અંડરસી એટલે કે દરિયા નીચેથી પસાર થતી ટનલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર મહત્વકાંક્ષી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરનો હિસ્સો છે. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિ.મીનું અંતર કાપશે. તેમાં બાંદ્રા કુર્લા કોમ્પલેકસથી કલ્યાણ શિલફાટાનો 21 કિ.મીનો વિસ્તાર દરિયા નીચેથી ટનલમાં પસાર થશે. તેમાંથી 7 કિ.મીમાં થાણાની ખાઈ આવેલી છે. 1.8 કિ.મી દરિયા નીચે બાંધવામાં આવશે અને બાકીનો વિસ્તાર ખાડીની બાજુમાં આવેલા જંગલ જેવા વિસ્તારની નીચેથી પસાર થશે.

મંગળવારે આ ટેન્ડર રીલીઝ કરાયું હતું. તેમાં આ ટનલના બાંધકામ ઉપરાંત ટનલ બોરિંગ મશીન (TBM) અને નવી ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડની મદદથી ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના બાંધકામનો પણ સમાવેશ થાય છે. ટેન્ડર મુજબ આ કામ 3.5 વર્ષ એટલે કે 1280 દિવસમાં પૂરુ કરવાનુંરહેશે. ગયા વર્ષે NHSRCL, RITES Ltd, જાપાનના કાવાસાકી જિયોલોજિકલ એન્જિનિયરિંગે દરિયા નીચે ટનલ બનાવવા માટે જિયો-ટેકિનકલ સંશોધન કર્યું હતું. ટીમે દરિયાનું બંધારણ સમજવા માટે સ્ટેટિક રિફ્રેકશન ટેકનિક (SRT) સર્વે હાથ ધર્યો હતો. ગયા વર્ષે ફાઈનલ રિપોર્ટ સબમિટ કરાયો હતો.

આ ટનલ એ રીતે બનાવાશે કે દરિયાઈ જીવોને શકય તેટલી ઓછી હેરાનગતિ પહોંચે. આ ટનલ જમીનથી 20થી 40 મીટર નીચે બનાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું, “ટનલ બનાવવા માટે પર્યાવરણને લગતા તમામ કલીયરન્સ અને કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મેળવી લેવાઈ છે. નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ અને વનવિભાગે પણ એપ્રુવલ માટે હામી ભણી દીધી છે.” ગયા મહિને NHSRCL50 કિ.મી લાંબા પ્રોજેકટ માટે 237 કિ.મીની બિડ્સ મંગાવી હતી. સિવિલ કંસ્ટ્રકશન ક્ષેત્રે આ સૌથી મોટો કોન્ટ્રેકટ છે.

(3:38 pm IST)