Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મુશ્કેલીમાં મુકાયેલ જેટ એરવેઝની ટિકીટ-રીફંડ અંગે ૧લીએ સુનાવણી

નવીદિલ્હી, તા.૨૫:  આર્થિક મુશ્કેલીને કારણે તાજેતરમાં બંધ પડેલી જેટ અઙ્ખરવેઝની અગાઉથી બુક કરાયેલી ટિકિટોના રિફંડ કે મુસાફરોને પ્રવાસની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની દાદ ચાહતી અરજીની સુનાવણી દિલ્હી વડી અદાલત પહેલી મેએ કરશે. બેજનકુમાર મિશ્રાએ જેટ એરવેઝની અગાઉથી બુક કરાયેલી ટિકિટોના રિફંડ કે પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુલકી ઉડ્ડય મંત્રાલય અને ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિયેશનને આદેશ આપવા દાદ ચાહતી અરજી કરી હતી.

આમ છતાં, મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભાંભાનીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ અરજી માત્ર પબ્લિસિટી માટે કરાઇ લાગે છે અને તેની સુનાવણી પહેલી મેએ કરાશે. અરજદારો જણાવ્યું હતું કે જેટ અઙ્ખરવેઝની અગાઉથી ટિકિટો બુક કરાવનારા મુસાફરોને પૂરું રિફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને અન્ય હરીફ એરલાઇન્સે ભાડાં વધારી દીધા હોવાથી તેઓએ નવી ટિકિટ બુક કરાવવા મોટી રકમ ચૂકવી પડે છે.

અરજદારે પ્રસારમાધ્યમમાંના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે જેટ એરવેઝની અગાઉથી જે ટિકિટો બુક કરાઇ હતી, તેઓનું અંદાજે રૂપિયા ૩૬૦ કરોડથી વધુનું રિફંડ આપવાનું બાકી છે.આ ઉપરાંત, મુસાફરોએ અન્ય એરલાઇન્સના વધુ ભાડાં ચૂકવવા પડ્યા છે અને માનસિક તાણમાંથી પસાર થવું પડ્યું છે.

(3:31 pm IST)