Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એરટેલને પછાડી 'જીયો' દેશની બીજા નંબરની ટેલીકોમ કંપની બની

મુંબઇ તા. ૨૫ : રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો દેશની બીજા નંબરની કંપની બની છે. જીયો યુઝર્સ બેઝના મામલે ભારતી એરટેલને પછાડી દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઈ છે. જીયોનાં ૩૦.૬ કરોડ યુઝર્સ છે. જયારે આઈડિયા-વોડાફોન જીયોથી આગળ છે. એરટેલ પાસે ૨૮.૪ કરોડ સબસ્ક્રાઈબર્સ છે. જયારે વોડાફોન-આઈડિયાએ ડિસેમ્બર ૨૦૧૮માં ૩૮.૭ કરોડ સબસ્ક્રાઈબર્સની જાહેરાત કરી હતી.

ટેલિકોમ ઈન્ડ્સ્ટ્રીઝનાં એકસપર્ટ્સનું માનવું છેકે, જીયો જલ્દીથી વોડાફોન-આઈડિયાથી આગળ નીકળી જશે. અમુક કવાર્ટર બાદ જીયો વોડાફોન-આઈડિયાને પાછળ છોડી દેશે. ભારતીય ટેલિકોમ સેકટરમાં સતત બે વર્ષ સુધી સ્થાન ટકાવી રાખનારી એરટેલના ગ્રાહકોમાં ઘટાડો ચિંતાજનક છે. ગયા વર્ષનાં મધ્ય સુધી એરટેલ જ દેશની નંબર ૧ ટેલિકોમ કંપની હતી. તો વોડાફોન-આઈડિયાનાં મર્જર બાદ બનેલી કંપનીને કારણે એરટેલ બીજા નંબર પર પહોંચી ગઈ હતી.

રિલાયન્સ જીયોનો તેજ ગ્રોથ સસ્તા ટેરિફ પ્લાન્સના દમ પર છે. ૨૦૧૬માં લોન્ચિંગ સાથે જ કંપનીએ નજીવી કિંમત પર ટેરિફ પ્લાન્સ અને ફ્રી વોઈસ કોલની સેવા આપી હતી. જેપી મોર્ગનનાં રિપોર્ટ મુજબ, જીયોએ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯માં ૨.૭ કરોડ નવા ગ્રાહકો જોડ્યા હતા.

(3:24 pm IST)