Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વારાણસીમાં મોદી v/s પ્રિયંકા જંગ નહીં થાય

કોંગ્રેસે અજય રાયને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો

લખનૌ તા. ૨૫ : ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદીની વિરૂદ્ઘ અજય રાય કોંગ્રેસના ઉમેદવાર હશે. તેની સાથે જ આ હાઇ પ્રોફાઇલ સીટ પરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો ખત્મ થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક સમયથી મોદીની વિરૂદ્ઘ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો હતી. ખુદ પ્રિયંકા પણ કેટલીય વખત કહી ચૂકયા હતા કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

ઇચ્છશે તો તેઓ તૈયાર છે. રાહુલે પણ કહ્યું હતું કે આ મુદ્દા સસ્પેંસ જરૂરી છે. પરંતુ કોંગ્રેસ ૨૦૧૪ના ઉમેદવારને જ ફરીથી વારાણસી સીટ પરથી ઉભા કરીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પીએમ મોદીની વિરૂદ્ઘ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય લડ્યા હતા. પીએમ મોદીએ કેજરીવાલને ૩૭૧૭૮૪ વોટોથી માત આપી હતી. પીએમ મોદીને ૨૦૧૪માં કુલ ૫.૮૧ લાખથી વધુ વોટ મળ્યા હતા. કેજરીવાલને ૨.૯ લાખ વોટ મળ્યા હતા જયારે રાયને અંદાજે ૭૬૦૦૦ વોટ મળ્યા હતા. આ વખતે સાથે મળીને ચૂંટણી લડી રહેલા બસપા અને સપાના ઉમેદવાર ૨૦૧૪ની ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શકયા નહોતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટક્કરમાં વારાણસીથી આ વખતે મહાગઠબંધનને કોંગ્રેસના પૂર્વ સાંસદ અને રાજયસભાના પૂર્વ ઉપ સભાપતિ શ્યામલાલ યાદવની પૂત્રવધુ શાલિની યાદવને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શાલિની યાદવે થોડાંક દિવસ પહેલાં જ પોતાના સહયોગીઓ સાથે સપામાં સામેલ થયા હતા. આપને જણાવી દઇએ કે શાલિની યાદવ પૂર્વમાં વારાણસીથી મેયરની ચૂંટણી લડી ચૂકયા છે.

કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થતાંની સાથે જ આ સંસદીય ક્ષેત્રમાં ત્રિકોણીય મુકાબલો થવાનો નક્કી છે. પીએમ મોદીની સામે મહાગઠબંધનની ઉમેદવાર શાલિની યાદવ હશે જયારે કોંગ્રેસની તરફથી અજય રાય ચૂંટણીના મેદાનમાં દેખાશે.

(3:25 pm IST)