Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સાંધ્ય દૈનિક 'અકિલા'નું પુસ્તક પ્રકાશનક્ષેત્રે પદાર્પણઃ ૭મી મેએ લોન્ચીંગ સમારંભ

પુસ્તકોની દુનિયાનો આગવો ઉઘાડ..

'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'

૭ મે એ પૂ. મોરારીબાપુ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીની ઉપસ્થિતિમાં 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'નું લોન્ચિંગ અને યુવા કવિ મિલિન્દ ગઢવીના બે કાવ્યગ્રંથોનું લોકાર્પણઃ ઓનલાઇન વિતરણ : નેટવર્કઃ નવા સર્જકોને તક અપાશે અને જૂના શ્રેષ્ઠ સાહિત્યને નવું રૂપ અપાશેઃ પુસ્તક વિતરણ વ્યવસ્થા પૂર્ણપણે ઓનલાઇન www.aipub.in વેબસાઇટ લોન્ચઃ તા.૭ નો સમારંભ આમંત્રિતો માટેઃ સમગ્ર કાર્યક્રમ 'અકિલા'ના ફેસબુક પેઇજ facebook.com/akilanews પર 'લાઇવ' થશે

રાજકોટ તા. રપ :.. જ્ઞાનનો સમંદર ઘુઘવાટ કરવા આતુર છે. શબ્દો મનમૂકી ને વરસવાની તૈયારીમાં છે... ભાવકો માટે પલળી જવાની મોસમ આવી રહી છે. પુસ્તકોની દુનિયાનો આગવો ઉઘાડ થઇ રહ્યો છે. લોકપ્રિયતાની સરહદો પાર કરી ચુકેલું સાંધ્ય દૈનિક 'અકિલા' પુસ્તક પ્રકાશનની દુનિયામાં કદમ માંડી રહ્યું છે.

આગામી તા. ૭ મે, મંગળવારના દિને રાત્રે ૮.૩૦ વાગ્યે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ' નો ભવ્ય લોન્ચિંગ સમારોહ આયોજિત થયો છે. હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે આમંત્રિતો માટે આ કાર્યક્રમ આયોજિત થયો છે.

આ પ્રસંગે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સના પ્રથમ પ્રકાશનોનું લોકાર્પણ પણ થનાર છે.  જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીના કાવ્ય સંગ્રહો 'રાઇજાઇ' (ગુજરાતી ગઝલ સંગ્રહ), 'નન્હે આંસુ' (હિન્દી ત્રિપદી સંગ્રહ)નું લોકાર્પણ થશે. શબ્દોથી મલકતા અને ભાવજગતથી છલકતા આ સમારોહ કથાકાર પૂ. મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ પદે મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણી, તથા પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી પધારશે.

કાર્યક્રમમાં 'અકિલા'ના એકિઝકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના નિર્માણ અંગે ઉદ્બોધન કરશે. કવિ સંજુ વાળા તથા કોલમિસ્ટ જય વસાવડા 'રાઇજાઇ' અને 'નન્હે આંસુ' પુસ્તકો અંગે પરિચયાત્મક પ્રવચન કરશે. કવિ મિલિન્દ ગઢવી કાવ્યપાઠ રજૂ કરશે. જયદેવ ગોસાઇ સૂર છેડશે. આભારવિધી કવિ હિરેન સુબા કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલ રાચ્છ અને પ્રણવ પંડયા કરશે.

'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'  ના વિચારને સાકાર કરનાર શ્રી નિમિષભાઇ ગણાત્રા કહે છે કે, સાહિત્ય જગતને સર્જકોએ શણગાર્યું છે. વર્તમાન સમયમાં પણ સર્જન ક્રિયા ચાલી રહી છે, પરંતુ સહેજ છીછરી બન્યાનો અહેસાસ થાય છે. નવા સર્જકોની  અછત નથી. સર્જકોને સુચારૂ પ્લેટફોર્મ પ્રાપ્ત થતું  નથી. આવા કારણોસર 'અકિલા ઇન્ડીયા પબ્લીકેશનન્સ' નું અવતરણ થયું છે.

વિવિધ વિષયોના પુસ્તકો 'અકિલા ઇન્ડીયા પબ્લીકેશન્સ'ના બેનર હેઠળ પ્રકાશીત થશે. નવા સર્જકોને તક  આપવા ઉપરાંત જુના શ્રેષ્ઠતમ સાહિત્યને નવું રૂપ આપવાનુ પણ આયોજન છે.

માર્કેટીંગ અને વિતરણ માટે 'અકિલા' આગવો ચીલો શરૂ કરી રહયું છે. 'અકિલા ઇન્ડીયા પબ્લીકેશન્સ'ના પ્રકાશીત પુસ્તકો માત્ર ઓન લાઇન જ ખરીદી  શકાશે. પુસ્તકોની દુનિયામાં પુર્ણપણે ઓનલાઇન નેટવર્ક ધરાવતું આ પ્રથમ પ્રકાશન ગૃપ બનશે. આ માટે અકિલા www.aipub.in વેબસાઇટ શરૂ કરી છે. જેનું પણ વિધિવત લોન્ચીંગ સમારોહમાં થનાર છે.

અકિલા ઇન્ડીયા પબ્લીકેશનન્સ વિશેષતાઓથી ભરપુર છે. માત્ર ગુજરાતી ભાષાના જ પુસ્તકો પ્રકાશીત કરવાનો ધ્યેય નથી. કોઇ પણ ભાષાનું શ્રેષ્ઠ સર્જન શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશીત થશે. એવી વ્યાપક માન્યતા છવાયેલી છે કે મોબાઇલ ટીવી જેવા વિજાણુ માધ્યમોના આગમનથી પુસ્તકના વાચકો ઘટયા છે. અકિલા માને છે કે વાચકને ઉપયોગી જરૂરીયાત પ્રમાણેનું શ્રેષ્ઠ સાહિત્ય પોસાય, તેવી કિંમતે સરળતાથી ઉપલબ્ધ કરાવાય તો વાચકોની અછત ન રહે. આ માટે  'અકિલા ઇન્ડીયા પબ્લીકેશન્સ', સનિષ્ઠ પ્રયાસ કરશે.

પુસ્તક પ્રકાશનની દુનિયાના આ આગવા પ્રયોગની વિગતો www.aipub.in  પર ઉપલબ્ધ છે. આગામી તા.૭ મેના રોજ પુસ્તક પ્રકાશન ક્ષેત્રની નવી દુનિયાનો ઉઘાડ થઇ રહયો છે. સમગ્ર સમારોહ આમંત્રીતો માટે છે. સમારોહનું જીવંત પ્રસારણ ફેસબુક  પેઇજ facebook.com/akilanews  પર થનાર છે. રસ ધરાવતા ભાવકો ફેસબુક લાઇવમાં સમારોહ માણી શકશે.

(4:17 pm IST)