Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

૬૪.૧૧ ટકા મતદાનઃ ગુજરાતે ૫૨ વર્ષનો રેકોર્ડ તોડયો

સત્તા પરિવર્તનનો સંકેત કે પછી બની રહેશે યથાશકિત ? ૧૯૬૭માં સામાન્ય ચૂંટણીમાં ૬૩.૭૭ ટકા મતદાન થયુ હતું: ૨૦૧૪માં 'મોદી લહેર'માં પણ ૬૩.૬ ટકા જ મતદાન થયુ હતું: સૌથી વધુ મતદાન વલસાડમાં અને સૌથી ઓછું અમરેલીમાં: શહેરી વિસ્તારોમાં મતદાન ઘટયું તો ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં વધ્યું

નવી દિલ્હી, તા. ૨૫:. ગુજરાતમાં ૧૭મી લોકસભા માટે ૨૩મીએ યોજાયેલા મતદાને પાછલા ૫૨ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વખતે ૬૪.૧૧ ટકા મતદાન થયુ છે, જ્યારે ૧૯૬૭માં ૬૩.૭૭ ટકા મતદાન થયુ હતું. ૨૦૧૪ની મોદીની લહેર વખતે પણ ૬૩.૬ ટકા મતદાન થયુ હતું. જો કે જાણકારોનું કહેવુ છે કે બમ્પર મતદાનથી એ પરિણામ કાઢવું ઉતાવળુ બનશે કે તેનો ભાજપને કે કોંગ્રેસને થવાનો છે. વલસાડમાં સૌથી વધુ ૭૫.૨૧ ટકા તો અમરેલીમાં ઓછુ ૫૫.૭૫ ટકા મતદાન થયુ છે. તે પછી બારડોલી ૭૩.૫૭ ટકા, છોટા ઉદેપુર ૭૩.૪૪ ટકા અને ભરૂચ ૭૩.૨૧ ટકા છે. જાણકારોનુ કહેવુ છે કે, રેકોર્ડ વોટીંગથી કોઈ અર્થ નથી નિકળતો. એ અંદાજ બાંધવો ખોટો રહેશે કે વધુ વોટીંગનો લાભ ભાજપને મળશે. જો ગ્રામિણ વિસ્તારોમાં શહેરો કરતા વધુ વોટીંગ હોય તો સામાન્ય રીતે તેનો લાભ કોંગ્રેસને થાય છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન થયુ છે. જે પરિવર્તનનો સંકેત હોય શકે છે. આમ છતા પણ આપણે એવુ કહી ન શકીએ કે અમુક રાજકીય પક્ષોને લાભ થશે. આદિવાસી, દલિત, મુસ્લિમ પહેલેથી જ કોંગ્રેસના વોટર રહ્યા છે. વોટીંગની ટકાવારીથી જણાય છે કે આ વખતે ભાજપને તમામ ૨૬ બેઠકો નહી મળે કારણ કે વોટીંગ પેટર્ન ૨૦૧૪ની સરખામણીએ બદલાયુ છે. વિશ્લેષકોના મતે કોંગ્રેસને ૮ થી ૧૦ બેઠકો મળશે. આ વખતે કચ્છ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, જૂનાગઢ, વડોદરા, ભરૂચ અને બારડોલીમાં મહિલા મતદારોની સંખ્યા ઘટી હતી.

ગુજરાતના મતદારોએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ૬૪.૧૧ ટકા મતદાન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજયમાં સૌથી વધુ મતદાન ૧૯૬૭ની લોકસભા ચૂંટણીમાં ૬૩.૭૭ ટકા નોંધાયું હતું, જે રેકોર્ડ ૨૦૧૯માં ગુજરાતના મતદારોએ તોડી નાખ્યો છે. છેલ્લી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજયમાં ૬૩.૬૬ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૪ના મતદાનની સરખામણીમાં જોઈએ તો રાજયમાં બનાસકાંઠા બેઠક પર ૬.૧૫ ટકા વધુ મતદાન થયું છે, જયારે કચ્છમાં ૩.૫૬ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક એવી છે જયાં ૨૦૧૪ જેટલું જ એટલે કે ૬૫.૫૭ ટકા મતદાન નોંધાયું છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં તમામ ૨૬ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચ દ્વારા ૨૪ એપ્રિલ, ૨૦૧૯ના રોજ મતદાનના જાહેર કરાયેલા અંતિમ આકડા મુજબ રાજયમાં સરેરાશ ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું હતું. રાજયમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર ૭૫.૨૧% નોંધાયું છે, જયારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર ૫૫.૭૫ ટકા નોંધાયું છે.

૨૦૧૪ અને ૨૦૧૯નું  મતદાન, તેની અસર

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અસરકર્તા પરિબળ પાટીદાર અને ખેડૂતો હતા. પાટીદાર બહુમત ધરાવતી બનાસકાંઠા, પાટણ, અમરેલી અને ભાવનગર બેઠક પર ૨૦૧૪ની સરખામણીએ મતદાનમાં વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં ૨૦૧૪ની સરખામણીએ ૬.૧૫%, પાટણમાં ૩.૨૪%, અમરેલીમાં ૧.૨૮% અને ભાવનગરમાં ૦.૮૩% વધુ મતદાન નોંધાયું છે. પાટીદાર બહુમતી ધરાવતી મહેસાણા બેઠક પર મતદાનમાં ૨૦૧૪ના ૬૭.૦૩%ની સરખામણીએ ૬૫.૩૭% મતદાન નોંધાયું છે અને અહીં ૧.૬૬%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શહેરી વિસ્તારોમાં  મતદાન ઘટ્યું

રાજયમાં શહેરી વિસ્તારો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ૨૦૧૯ની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૧૪ની સરખામણીએ જોઈએ તો શહેરી વિસ્તારોની બેઠકો અમદાવાદ(પૂર્વ)(-૦.૨૬%), અમદાવાદ (પશ્ચિમ) (-૨.૫૬%), વડોદરા (-૩.૦૮), ગાંધીનગર(૦%), મહેસાણા (-૧.૬૬%), રાજકોટ (-૦.૭૪%)નો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં મતદાનમાં ઘટાડો ભાજપની ચિંતામાં વધારો કરી શકે છે.

ગ્રામીણ-આદિવાસી  વિસ્તારોમાં મતદાન વધ્યું

શહેરોની સરખામણીએ રાજયની ગ્રામીણ-આદિવાસી વિસ્તારો ધરાવતી બેઠકોમાં મતદાનમાં વધારો જોવા મળ્યો છે. રાજયમાં વલસાડ બેઠક પર સૌથી વધુ ૭૫.૨૧% મતદાન નોંધાયું છે અને તેમાં પણ ૨૦૧૪ની સરખામણીએ ૦.૯૩ ટકાનો વધારો નોંધાયો છે. અહીં, આદિવાસી મતોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત બનાસકાંઠા(૬.૧૫%), પાટણ(૩.૨૪%), અમરેલી(૧.૨૮%), પંચમહાલ(૨.૪૩%), દાહોદ(૨.૩૩%), છોટાઉદેપુર(૧.૭૩%), પોરબંદર(૪.૧૭%), જામનગર(૨.૭૧%) અને સુરેન્દ્રનગર(૦.૭૮%) જેટલું ૨૦૧૪ની સરખામણીએ વધુ મતદાન થયું છે. સ્થાનિક સ્વરાજની છેલ્લી ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે અનેક પંચાયતો કબ્જે કરી હતી. એટલે, આ વખતે લોકસભામાં થયેલું વધુ મતદાન કંઈક નવા-જૂની સર્જી શકે છે.

ગાંધીનગર બેઠક પર  કોઈ વધારો નહીં

ભાજપનો ગઢ ગણાતી અને અત્યંત હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગરમાં મતદાનના આંકડામાં ૨૦૧૪ની સરખામણીમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. અહીં, ૨૦૧૪ની ચૂંટણીમાં ૬૫.૫૭% મતદાન થયું હતું અને આ વર્ષે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ૬૫.૫૭% મતદાન નોંધાયું છે. ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. હાઈપ્રોફાઈલ હોવાને કારણે આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. અગાઉ, ભાજપના લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે.

સૌથી ઓછુ મતદાન ૧૯૯૬માં માત્ર ૩૫.૯૨ ટકા થયુ હતું. જ્યારે ૧૯૯૧માં ૪૪.૧ ટકા મતદાન થયુ હતું.

બેઠક

૨૦૧૯(%)

૨૦૧૪(%)

તફાવત

કચ્છ

૫૮.૨૨

૬૧.૭૮

-૩.૫૬

બનાસકાંઠા

૬૪.૬૯

૫૮.૫૪

૬.૧૫

પાટણ

૬૧.૯૮

૫૮.૭૪

૩.૨૪

મહેસાણા

૬૫.૩૭

૬૭.૦૩

-૧.૬૬

સાબરકાંઠા

૬૭.૨૪

૬૭.૮૨

-૦.૫૮

ગાંધીનગર

૬૫.૫૭

૬૫.૫૭

અમદાવાદ(પૂર્વ)

૬૧.૩૨

૬૧.૫૯

-૦.૨૭

અમદાવાદ(પશ્ચિમ)

૬૦.૩૭

૬૨.૯૩

-૨.૫૬

સુરેન્દ્રનગર

૫૭.૮૫

૫૭.૦૭

૦.૭૮

રાજકોટ

૬૩.૧૫

૬૩.૮૯

-૦.૭૪

પોરબંદર

૫૬.૭૯

૫૨.૬૨

૪.૧૭

જામનગર

૬૦.૭

૫૭.૯૯

૨.૭૧

જૂનાગઢ

૬૦.૭૪

૬૩.૪૩

-૨.૬૯

અમરેલી

૫૫.૭૫

૫૪.૪૭

૧.૨૮

ભાવનગર

૫૮.૪૧

૫૭.૫૮

૦.૮૩

આણંદ

૬૬.૭૯

૬૪.૮૯

૧.૯

ખેડા

૬૦.૬૮

૫૯.૮૬

૦.૮૨

પંચમહાલ

૬૧.૭૩

૫૯.૩

૨.૪૩

દાહોદ

૬૬.૧૮

૬૩.૮૫

૨.૩૩

વડોદરા

૬૭.૮૬

૭૦.૯૪

-૩.૦૮

છોટાઉદેપુર

૭૩.૪૪

૭૧.૭૧

૧.૭૩

ભરૂચ

૭૩.૨૧

૭૪.૮૫

-૧.૬૪

બારડોલી

૭૩.૫૭

૭૪.૯૪

-૧.૩૭

સુરત

૬૪.૪૧

૬૩.૯

૦.૫૧

નવસારી

૬૬.૧

૬૫.૮૨

૦.૨૮

વલસાડ

૭૫.૨૧

૭૪.૨૮

૦.૯૩

સરેરાશ

૬૪.૧૧

૬૩.૬૬

૦.૪૫

સૌથી વધુ મતદાનવાળી ૫ બેઠક

બેઠક

મતદાન

વલસાડ

૭૫.૨૧

બારડોલી

૭૩.૫૭

છોટાઉદેપુર

૭૩.૪૪

ભરૂચ

૭૩.૨૧

વડોદરા

૬૭.૮૬

સૌથી ઓછું મતદાનવાળી ૫ બેઠક

બેઠક

મતદાન

અમરેલી

૫૫.૭૫

પોરબંદર

૫૬.૭૯

સુરેન્દ્રનગર

૫૫.૮૫

કચ્છ

૫૮.૨૨

ભાવનગર

૫૮.૪૧

(11:36 am IST)