Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બિલ્ડરોએ ૧ ટકા-પ ટકાની સ્કીમ અંગે ૧૦મી મે પહેલા નિર્ણય લઇ લેવો પડશે

GST કાઉન્સિલની રાહતોથી બિલ્ડરોની મુશ્કેલી વધી શકે છે જો પસંદગી ન જણાવે તો સ્કીમના દરવાજા બંધ થઇ જશે

મુંબઇ તા.રપઃ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેકસ કન્સલન્ટન્સના પ્રવકતા મુકેશ શર્મા જણાવે છે કે, જીએસટી કાઉન્સિલ દ્વારા રિયલ એસ્ટેટ સેકટર માટે જે રાહતો જાહેર કરાઇ છે તેનાથી બિલ્ડરોની મુશ્કેલી વધી શકે છે. ૧ ટકા અને પ ટકાની સ્કીમ અંગે ૧૦ મી મે સુધીમાં બિલ્ડરોએ નિર્ણય લેવો પડશે.

મુકેશ શર્માના જણાવ્યા મુજબ ચાલુ પ્રોજેકટ જો બિલ્ડરે ૧ ટકા કે પ ટકાની સ્કીમની પસંદગી ન કરવી હોય તો ભૂલ્યા વિના ૧૦ મે પહેલાં જીએસટી વેબસાઇટ પર ઓનલાઇન પસંદગી જણાવવી પડશે નહિં. જીએસટી કાયદા હેઠળ તેમની માટે ૧૨ ટકા જીએસટી (ખરીદી પર ચૂકવેલા વેરાની ઇનપુટ ટકેની ક્રેડિટ મળે) ચાર્જ કરવાની સ્કીમના દરવાજા બંધ થઇ જશે. અત્યાર સુધી જીએસટી કાયદા હેઠળ અન્ય વેપારીઓને રેગ્યુલર વેરો ભરવો છે કે ઉચ્ચક વેરો ભરવો છે તે વેપારીએ જીએસટી કાયદાની વેબસાઇટ પર ઓનલાઇન પસંદગી કરવાનું મળતું હતું તેવી રીતે બિલ્ડરોને પસંદગીનો હક્ક મળવો જોઇએ. ૧ એપ્રિલથી બિલ્ડરોએ શરૂ થતાં બધા રેસિડેન્સિયલ પ્રોજેકટ માટે ફરજિયાત આ ૧ ટકા કે પ ટકાની સ્કિમ પસંદ કરવાની રહેશે.

રેરા અને જીએસટીના કાયદાની વિસંગતતા

જે બિલ્ડર એક કરતાં વધારે ટાવરમાં ફલેટ બનાવતા હોય તેમાં એક ફલેટના ટાવરનું ઓકયુપેશન સર્ટિફિકેટ મેળવી લીધું હોય તો શું બિલ્ડર બીજા બાકીના ફલેટના ટાવર માટે ચાલું પ્રોજેકટ તરીકે ગણી શકશે? કારણ કે આને જીએસટીની ચાલુ પ્રોજેકટ તરીકેની શરત પ્રમાણે ઓકયુપેશનલ સર્ટિફિકેટ મેળવેલ ના હોવું જોઇએ. જો દરેક ફલેટના ટાવર અલગ-અલગ પ્રોજેકટ ગણીએ તો આને ચાલુ પ્રોજેકટ ગણી શકાય. પણ રેરાના કાયદામાં આને આખો પ્રોજેકટ ગણે છે માટે સ્પષ્ટતાની ખુબ જરૂર છે.

ફલેટની કિંમતમાં વધારો થશે

સિમેન્ટ પર જીએસટી ૨૮ ટકા, રેતી પર જીએસટી ૫ ટકા, કપચી પર જીએસટી ૫ ટકા, માર્બલ, ટાઇલ્સ, કલર પર જીએસટી ૧૮ ટકા, હાર્ડવેર પર જીએસટી ૧૮ ટકા, લેબર કામ ઉપર પણ ૧૮ ટકાને જોતાં બિલ્ડરને ૧૨ ટકાની મૂળ કિંમતમાં વધારો થશે. આના કારણે ફલેટની કિંમતમાં પણ વધારો થશે.

 

(11:36 am IST)