Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વારાણસીમાં મોદીનું શકિત પ્રદર્શનઃ ભવ્ય રોડ શોઃ કાલે નામાંકન

વડાપ્રધાન મોદીને માતા ગંગાએ ફરી એક વખત બોલાવ્યાઃ આજે ભવ્યાતિભવ્ય રોડ શોઃ ભાજપના દિગ્ગજ નેતાઓ, એનડીએના નેતાઓ, ભાજપના મુખ્યમંત્રીઓ હાજર રહેશેઃ પાંચ લાખ લોકો ઉમટશેઃ ઠેર-ઠેર મોદી ઉપર પુષ્પાવર્ષા થશેઃ સાંજે ગંગા આરતીમાં મોદી સામેલ થશેઃ કાલે કાલ ભૈરવના આશીર્વાદ લઈ ઉમેદવારી પત્ર ભરશેઃ સમગ્ર વારાણસીમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા

વારાણસી, તા. ૨૫ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આજે અહીંયા આવ્યા છે. અહીં આવ્યા બાદ લંકા સ્થિત માલવીય પ્રતિમા પર પૂષ્પાંજલી અર્પણ કર્યા બાદ બપોરે ૩ વાગ્યા બાદગ રોડ શોમાં સામેલ થશે. સાંજે ગંગા આરતી બાદ તેમની હોટલ ડી પેરીસમાં પ્રબુદ્ધ નાગરીકો સાથે કાર્યક્રમ છે. ૨૬મીએ મોદી બાબા કાલભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરશે.

વડાપ્રધાન બાબતપુર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલીકોપ્ટરથી બીએચયુ પહોંચશે. ત્યાંથી રોડ માર્ગે લંકા આવશે. મોદીના રોડ શોમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, નિતીન ગડકરી, નિર્મલા સિતારામન, સુષ્મા સ્વરાજ, પિયુષ ગોયલ, જે.પી. નડ્ડા, મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ, કેશવ મૌર્ય, દિનેશ શર્મા, હેમા માલીની, મનોજ તિવારી, રવિ કિશન વગેરે સામેલ થશે.

આ રોડ શોમા ૫ લાખ લોકો જોડાય તેવી શકયતા છે. આ રોડ શોને મેગા રોડ શો બનાવવા માટે ભાજપે જોરદાર તૈયારી કરી છે. આ રોડ શોમાં પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે, નિતીશકુમાર, રામવિલાસ પાસવાન વગેરે પણ હાજર રહી શકે છે. પીએમના રોડ શોમાં ફુલોથી તેમનુ સ્વાગત કરાશે. આ રોડ શો ૩ વાગ્યે શરૂ થશે અને સાંજે ૭ વાગ્યે દશાશ્વમેઘ ઘાટે સમાપ્ત થશે. કુલ ૭ કિ.મી.નો આ રોડ શો હશે. આ દરમિયાન ૧૦૧ પોઈન્ટ પર મોદીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

વડાપ્રધાન રોડ શો બાદ ગંગા આરતીમાં સામેલ થશે. રાત્રી રોકાણ તેઓ વારાણસીમાં જ કરવાના છે. આવતીકાલે તેઓ હોટેલ ડી પેરીસમાં ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને મળશે. ત્યાંથી કાલ ભૈરવ મંદિર જશે અને દર્શન બાદ નામાંકન ભરશે. વડાપ્રધાન ઉમેદવારી પત્ર ભરે ત્યારે એનડીએના નેતાઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ આગેવાનો પણ હાજર રહેશે.

વારાણસીમાં આજે રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે અર્ધલશ્કરી દળોની ૧૫ કંપનીઓ ગોઠવવામાં આવી છે. ૮ ડ્રોન કેમેરાથી છતો તથા શેરીઓમાં નજર રાખવામાં આવશે. વારાણસીમાં ૧૯મીના રોજ મતદાન થવાનુ છે.

(10:27 am IST)