Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ચૂંટણીમાં ૩૩ કરોડની તો શાહી વપરાશે

૨૮ લાખ બોટલો મંગાવાઇ છે : ૧ બોટલથી ૩૫૦ આંગળી પર ટપકુ મુકી શકાય

નવી દિલ્હી તા. ૨૫ : લોકશાહીના પર્વ એવી આ ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને ઘણી વખત વિચાર આવ્યો હશે કે મતદારોની આંગળી પર આ શાહીનું નિશાન કેમ કરવામાં આવે છે અને તે આટલા લાંબા સમય સુધી કેમ રહે છે. શું તમને ખબર છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન માત્ર આ શાહી પાછળ જ કરોડો રૂપિયા ખર્ચ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારોના ઉપયોગ માટે ૩૩ કરોડ રૂપિયાની શાહી લાવવામાં આવી છે. વાદળી રંગની શાહી ૨૮ લાખ બોટલોનો ચૂંટણી પંચ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે. જે ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કરતા ૪.૫ લાખ બોટલો વધારે છે.

દરેક બોટલમાં ૧૦ મી.લી. શાહી હોય છે. એક બોટલમાંથી ૩૫૦ મતદાતાઓની આંગળી પર નિશાન કરી શકાય છે. ૨૦૦૪ સુધી આંગળી પર માત્ર એક ટપકું કરવામાં આવતું હતું પરંતુ તે પછી ચૂંટણી પંચે શાહીથી એક લાંબી રેખા દોરવાનું નકકી કર્યુ છે. દરેક પોલિંગ બૂથને બે શાહી બોટલ આપવામાં આવે છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ૩ લાખ બોટલ ઉત્તરપ્રદેશ રાજયમાં જયારે સૌથી ઓછી લક્ષદ્વીપમાં માત્ર ૨૦૦ બોટલ વપરાય છે. ૨૦૦૯ની ચૂંટણી દરમિયાન શાહી પાછળ ૧૨ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે ૩ ગણો વધુ ખર્ચ માત્ર શાહી પાછળ થશે.

(10:28 am IST)