Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રશિયન શસ્ત્ર-સરંજામની નિકાસ પર અમેરિકાના પ્રતિબંધથી ભારતની સાથે થનાર 39,822 કરોડની ડીલને લાગશે બ્રેક ?

રશિયાના ડિફેન્સ અને ઈન્ટેલિજન્સ સેક્ટરમાં વેપાર કરનારા કોઈપણ દેશને આ પ્રતિબંધનો સામનો કરવો પડશે

 

નવી દિલ્હી: રશિયન શસ્ત્ર-સરંજામની નિકાસ પર અમેરિકાના પ્રતિબંધથી ભારતની સાથે થનારી 39,822 કરોડ રૂપિયાની ડીલને બ્રેક લાગી શકે છે.તજજ્ઞોનું કહેવું છે કે, નિર્ણયથી એશિયાની આસપાસના અન્ય અમેરિકન સહયોગીની હથિયારોની ખરીદી પર બ્રેક લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાઈન કરાયેલા એક કાયદા મુજબ, રશિયાના ડિફેન્સ અને ઈન્ટેલિજન્સ સેક્ટરમાં વેપાર કરનારા કોઈપણ દેશને પ્રતિબંધનો સામનો કરવો પડશે

 

   કાયદો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સજા આપવા માટે લવાયો છે. રશિયા પર 2014માં ક્રિમિયા પર કબજો કરવાનો, સીરિયાના ગૃહયુદ્ધમાં સામેલ થવાનો અને અમેરિકાની 2016ની ચૂંટણીમાં દખલગીરી કરવાનો આરોપ છે.

  હવે, નિર્ણય બાદ રશિયા પાસેથી હથિયાર ખરીદનારા અમેરિકાના સહયોગી દેશોને મુશ્કેલી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રશિયા દુનિયાનું સૌથી મોટું હથિયાર નિકાસ કરતું રાષ્ટ્ર છે. ઝટકાનું સૌથી તાજુ ઉદાહરણ ભારત છે. ભારત રશિયા પાસેથી 5 લાંબી રેન્જની સર્ફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ એસ-400 ખરીદવા ઈચ્છે છે. ભારતીય સેના મુજબ, સિસ્ટમ સેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

  ખરીદી સાથે જોડાયેલા બે અધિકારીઓએ દિલ્હીમાં જણાવ્યું કે, 2016માં ઈન્ટર-ગવર્મેન્ટ સમજૂતી તરીકે રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદીએ જે સોદો કર્યો હતો તે સોદો અમેરિકાના પ્રતિબંધ કાયદાને કારણે ટળી શકે છે. અમેરિકાના ક્ષેત્રિય સહયોગી હોવા છતાં ઈન્ડેનેશિયા અને વિયેતનામ પણ રશિયા પાસેથી હથિયાર ખરીદે છે. તાજેતરમાં જકાર્તાએ રશિયા પાસેથી સુખોઈ ફાઈટર્સની મોટી ડીલ કરી છે. તો વિયેતનામ રશિયા પાસેથી જેટ ફાઈટર્સ બોમ્બર્સ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

  તાજેતરમાં રશિયાના સહયોગી દેશ સીરિયામાં અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ બંને સુપર પાવર વચ્ચે ટેન્શન વધી ગયું છે. ભારતની સાથે થનારી એસ-400 ડીલ સાથે જાડાયેલા રશિયન સૂત્રએ જણાવ્યું કે, ‘ઘણું બધું અમારા ભારતીય ભાગીદારોના આત્મવિશ્વાસ અને સ્વચ્છંદતા પર નિર્ભર કરશે.’

(12:32 am IST)