Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

રાજકીય પક્ષોને ફંડફાળાના નામે ત્રાસવાદીઓને ફંડીંગ ? સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ચૂંટણી બોન્ડના દુરૂપયોગને લઈને પૂછયા સવાલ

એવી ખાત્રી આપી શકો કે ઈલેકટોરલ બોન્ડ થકી મળનારા નાણાનો ઉપયોગ આતંકવાદ કે હિંસક પ્રવૃતિ માટે નહિ થાય ?

નવી દિલ્હી, તા. ૨૫ :. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ઈલેકટોરલ બોન્ડસને લઈને અનેક મહત્વના સવાલ પૂછયા છે. સાથોસાથ ચિંતા વ્યકત કરતા એવી ખાતરી પણ માંગી છે કે આવતા સમયમાં તેનો ઉપયોગ આતંકવાદ અને અન્ય હિંસાત્મક ઘટના માટે નહિ થાય. દરેક ચૂંટણી સિઝનમાં દાન માટે રાજકીય પક્ષો ઈલેકટોરલ બોન્ડસ થકી મોટી સંખ્યામાં ફંડ એકઠુ કરે છે. જો કે બોન્ડસના માધ્યમથી દાન આપનારની ઓળખ ગુપ્ત રહે છે.

એક અરજીને લઈને સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સમક્ષ આ ચિંતા વ્યકત કરી હતી. આ અરજીમાં બોન્ડસ રીલીઝને પડકારવામાં આવે છે. ચીફ જસ્ટીસ બોબડેએ આ અરજી પર ફેંસલો સુરક્ષીત રાખતા એટોર્ની જનરલને પૂછયુ હતુ કે સરકારે બોન્ડમાં રાજકીય પક્ષોને દાન આપનારની ઓળખ જાહેર ન થાય તેવી છૂટ કેમ આપી છે. તેમને ૧ થી ૧૦ એપ્રિલ સુધી બોન્ડ રીલીઝ કરવાના ગાળા પર પણ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે શું કોઈ આ ૧૦ દિવસમાં આ બોન્ડને ખરીદી આતંકી ઓપરેશનને ફંડ કરી શકે છે ? અમને લાગે છે કે કેટલાક પક્ષો છે જેમના એજન્ડામાં હિંસા છે. તેમણે કહ્યુ હતુ કે અમે કોઈ ચોક્કસ પક્ષનુ નામ નથી લેતા. પણ શું પક્ષો બોન્ડ લઈને એવા પ્રદર્શનોને ફંડ આપે જે હિંસક બની જાય. ઈલેકટોરલ બોન્ડસના ઉપયોગની રકમ પર સરકારનું શું નિયંત્રણ છે તેવો સવાલ પૂછયો હતો.

જે બાબતે એટોર્ની જનરલે કહ્યુ હતુ કે બોન્ડને રોકડ કરાવવાનુ કામ માત્ર એવા જ પક્ષો કરી શકે છે જેમને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા ૧ ટકા મળ્યા હોય. તેમણે એવો તર્ક પણ આપ્યો હતો કે આવા બોન્ડ થકી મળતી રકમ સંપૂર્ણ વ્હાઈટ મની હોય છે. જે બેન્કો થકી જાય છે અને તેને ચેક દ્વારા આપવામાં આવે છે. જો કે તેમણે એવી સ્વીકાર્યુ હતુ કે આ બોન્ડ કોણે ખરીદ્યો અને કોને આપ્યો છે ?

(11:02 am IST)