Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાઇરસના ડરથી સંબંધીઓએ મોઢું ફેરવી લીધું, રેલવેએ આપ્યો સહારો

જયપુર તા. ૨૫ : કોરોના વાઇરસનો ડર દરેકના મનમાં એટલો ઘર કરી ગયો છે કે લોકો સંબંધો ભૂલીને માત્ર પોતાના જીવની જ પરવાહ કરવા લાગ્યા છે. જોકે આવા સમયમાં અજાણ્યા લોકો દેવદૂત બનીને મુસીબતમાં મુકાયેલાઓની મદદ કરતા દેખાઈ રહ્યા છે. આવી જ એક ઘટના સોમવારે જયપુર રેલવે-સ્ટેશન પર જોવા મળી હતી.

પટનાની રહેવાસી અસ્મિતા તેની ચાર વર્ષની દીકરીને લઈને નાગપુરમાં તેના પિયરે ગઈ હતી, પરંતુ પતિએ ફોન કરીને તેને પાછી પટના બોલાવી એટલે તે ઝટપટ પોતાના ઘરે જવા તૈયાર થઈ હતી. પણ ખોટી ટ્રેનમાં બેસવાને કારણે તે જયપુર પહોંચી ગઈ. જયપુર પહોંચ્યા પછી તેણે ત્યાં રહેતા કેટલાક સંબંધીઓને ફોન કર્યો, પણ તેમણે ઘરે નાનાં બાળકો હોવાનું બહાનું બતાવીને તેને ઘરે આવવાની મનાઈ કરી દેતાં તે અજાણ્યા શહેરમાં રઝળી પડી હતી.

અસ્મિતાનું કહેવું હતું કે પતિનો ફોન આવતાં જ તે ચાર વર્ષની દીકરી સાથે બારામતી એકસપ્રેસમાં સ્લીપર કલાસમાં ટિકિટ બુક કરાવી નાગપુરથી પટના જવા નીકળી. રવિવારે નાગપુરથી નીકળતી વખતે તે ભૂલથી મૈસૂર-જયપુર એકસપ્રેસમાં ચડી ગઈ હતી. આખા પ્રવાસમાં કોઈ ટિકિટચેકર ન આવતાં તેને પોતાની ભૂલની જાણ પણ ન થઈ.

સવારે જયારે આંખ ખૂલી ત્યારે તે જયપુર સ્ટેશને હતી. ઘટનાની જાણ થયા બાદ સ્ટેશન પર તહેનાત આરપીએફ હેડ કોન્સ્ટેબલ મમતા અને અશોકકુમારે તેને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

(4:14 pm IST)