Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ઇટાલી : કોરોનાથી એક દિવસમાં ૭૪૩ના મોત

વિશ્વમાં સૌથી ભયંકર સ્થિતિ હવે ઇટાલીમાં : મૃત્યુદર સૌથી વધુ ૯.૮ ટકા

રોમ, તા.૨૫ : કોરોના વાયરસના કારણે દુનિયામાં સૌથી વધારે ખૌફનાક હાલત હાલમાં ઇટાલીની થયેલી છે. ઇટાલીમાં કોરોના વાયરસના કારણે ભારે હાહાકાર મચેલો છે. ચારેબાજુ કોરોના વાયરસના કારણે લાશોના ઢગલા થઇ ગયા છે. સ્થિતી એટલી હદ સુધી વણસી ગઇ છે કે મૃત્યુ પામેલા લોકોને પરિવારના સભ્યો અલવિદા કહેવાની સ્થિતીમા પણ નથી. ઇટાલીમાં દરરોજ ખુબ મોટી સંખ્યામાં લોકો સકંજામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ ૭૪૩ લોકોના મોત થતા લોકોમાં વ્યાપક ફફડાટની સ્થિતી રહેલી છે.

ઇટાલીમાં છેલ્લા બે દિવસ સુધી સ્થિતી આંશિક સુધરી હતી પરંતુ ફરી એકવાર હાલત ચિંતાજનક બની ગઇ છે. આ પહેલા શનિવારના દિવસે એક દિવસમાં જ ૭૯૩ લોકોના મોત થયા હતા. ઇટાલીમાં ઇન્ફેક્શનના મામલામાં ઘટાડો શરૂ થયા મેડિકલ અધિકારીઓ સંતોષ માની રહ્યા હતા. એમ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે ઇટાલીએ પોતાની અર્થવ્યવસ્થા અને સ્વતંત્રતાને દાવ પર લગાવી દીધા બાદ સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. જો કે એક દિવસ બાદ જ ખુશી ફીકી પડી ગઇ હતી. ઇટાલીમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને દર્દીઓની જર્મનીમાં પણ સારવાર કરવામાં આવી રહી છે. ઇટાલીમાં એક દિવસમાં જ ૫૨૪૯ નવા મામલા સપાટી પર આવ્યા છે.

જ્યારે કોવિડના કારણે સકંજામાં આવી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૬૯૧૭૬ સુધી પહોંચી ગઇ છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૬૮૨૦ સુધી પહોંચી ગઇ છે. બે દિવસ સુધી આંકડા ઘટી ગયા બાદ ઇટાલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યુટના ચીફ સિલવિયો બ્રુસાફેરોએ કહ્યુ હતુ કે આ સકારાત્મક નંબર છે. પરંતુ સ્થિતી સુધરી રહી છે તેમ કહેવા માટે સાહસ કરી શકાય નહીં.ઇટાલી સરકાર ભારે પરેશાન છે. સ્થિતીને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. બીજા  વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા.  એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. હવે સ્થિતીને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે.  ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.  ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા.  કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધી છે. ઇટાલીમાં ચિંતાજનક રીતે મોતનો આંકડો અને કેસોની સંખ્યા વધી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો તો કોરોના વાયરસની જ્યાંથી શરૂઆત થઇ હતી તે ચીન કરતા હવે વધી ગયો છે.

(3:30 pm IST)