Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સોશ્યલ ડીસ્ટન્સનું વરવું પ્રદર્શન : એરલાઈન્સની મહિલા ક્રૂ મેમ્બરે જણાવી આપવીતી : માતા-પુત્રીને ઘરની બહાર ફેંકી દેવાની ધમકી

કોરોના થયો હોવાની અફવા ફેલાતા બદમાશોએ ધમકી દીધી : સમાન ખરીદવા બહાર નીકળી શકતા નથી : પોલીસ પણ સાથ આપતી નથી : ક્રૂ મેમ્બરે રડતા રડતા કહી આપવીતી

નવી દિલ્હી : કોરોના વાયરસના કહેરને કારણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરે છે અને લોકડાઉન સહિતના પગલાં લઇ રહ્યા છે ત્યારે સોશ્યલ ડીસ્ટન્સનું વરવું પ્રદર્શન કરતા કિસ્સો બહાર આવ્યો છે ઈન્ડિગો એરલાઇન્સમાં ક્રૂ મેમ્બર રહેલી એક મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરી છે

               ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરતી એક યુવતીએ વીડિયો સંદેશ શેર કર્યો છે. તેણીએ વીડિયો સંદેશ પોસ્ટ કરીને કહ્યું છે કે, જ્યારે તે કામ પર જાય છે ત્યારે સોસાયટીના લોકો તેની માતાને પ્રતાડિત કરે છે. એરલાઇન્સ સાથે જોડાયેલા મામલાઓનું રિપોર્ટિંગ કરતા તરુણ શુક્લાએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ક્રૂ મેમ્બર આપવીતી જણાવતી વખતે રડી પડે છે. તેણી કહે છે કે, "પહેલા તો સોસાયટીના લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે હું કોરોના પોઝિટિવ છું. આ ખરેખરે અસત્ય છે."
             વીડિયોમાં ક્રૂ મેમ્બરે દાવો કર્યો છે કે બદમાશો ઘરે આવીને ધમકી આપી રહ્યા છે કે મા-દીકરી બંનેને બહાર કાઢી મૂકીશું. મને કોરોનાના કોઈ લક્ષણો નથી તો પણ આવું થઈ રહ્યું છે. માની લો કે કોઈ કોરોના વાયરસનો શિકાર બન્યો છે તો પણ શું તેની સાથે આવું વર્તન યોગ્ય છે? આરોપ છે કે ફરિયાદ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી.
             વીડિયોમાં ક્રૂ મેમ્બર કહે છે કે, "હું અને મારી માતા બંને સાથે રહીએ છીએ. હું જ્યારે નોકરીમાંથી પરત આવું છું ત્યારે માતાની મદદ કરું છું. તેણી સામાન ખરીદવા માટે બહાર નથી નીકળી શકતી. કારણ કે લોકો એવું કહીને તેને સામાન નથી આપતા કે તારી દીકરીને કોરોના થયો છે, તો તને પણ થઈ ગયો હશે. તમે લોકો કોરોનાનો ફેલાવો કરો છો. મારી પ્રાર્થના છે કે મારી માતાને આવી રીતે પ્રતાડિત કરવામાં ન આવે."

(12:00 am IST)