Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોંગ્રેસ યોજનાના નામ પર છળ-કપટ કરે છે : નાણામંત્રી અરુણ જેટલી

રાહુલ ગાંધીની સ્કીમને લઇ જેટલીના તીવ્ર પ્રહાર : કોંગ્રેસનો ઇતિહાસ ગરીબી હટાવવાના નામ પર રાજનીતિ કારોબાર કરવાનો રહ્યો છે : ઇન્દિરાએ વચન આપ્યું હતું

નવી દિલ્હી, તા. ૨૫ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા સરકાર બનવાની સ્થિતિમાં ગરીબોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક આપવાના વચન ઉપર નાણામંત્રી અરુણ જેટલીએ આકરી પ્રતિક્રિયા આપી છે. જેટલીએ કહ્યું છે કે, કોંગ્રેસે હંમેશા યોજનાઓના નામ ઉપર છળકપટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનો ઇતિહાસ ગરીબી હટાવોના નામ ઉપર માત્ર રાજનીતિ કરવાનો રહ્યો છે. કોંગ્રેસે ગરીબી હટાવવા માટે ક્યારે પણ સંસાધનો આપ્યા નથી. જેટલીએ કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં ગરીબી હટાવોના નામ ઉપર ચૂંટણી જીતી લીધી હતી પરંતુ ગરીબી દૂર કરવા માટે શું જરૂરી છે તેના પર કામ કરવામાં આવ્યું ન હતું. અર્થવ્યવસ્થાને સુધારવાના નામ ઉપર કોઇ કામ કરવામાં આવ્યું ન હતું. ગરીબી વિતરણનું કામ જ કામ કરવામાં આવ્યું હતું. નિચલા વર્ગના લોકોને ઉપર ઉઠાવવા માટે કોઇ કામ કરાયું ન હતું. જેટલીએ મનરેગા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મનરેગામાં ૪૦૦૦૦ કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ કરવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ ૨૮૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા. આ પૈસા પણ કેન્દ્રમાંથી રાજ્ય અને રાજ્ય પાસેથી જિલ્લા અને આ ગાળામાં અનેક જગ્યાએથી થઇને પસાર થતાં હતા. ગરીબોને કેટલા પૈસા મળતા હતા તેનો અંદાજ લગાવી શકાય છે. ખેડૂતોની લોન માફી ઉપર ઘણા વચનો અપાયા છે. કર્ણાટકમાં ૨૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. મધ્યપ્રદેશમાં ૩૦૦૦ કરોડ અને પંજાબમાં ૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. કોંગ્રેસનું કામ ચૂંટણી નારા આપવાનું છે. સંશાધનો આપવાનું રહ્યું નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કહે છે કે, આ પૈસા બીબીટી મારફતે રહેશે. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે પહેલા આધાર લાવી હતી ત્યારબાદ તેને સંસદથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી પડકારવામાં આવ્યા હતા જે લોકો દરેક જગ્યાએ આધારનો વિરોધ કરતા રહ્યા છે તે હવે બીબીટીથી પૈસાની વાત કરી રહ્યા છે.

 

(9:20 pm IST)