Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાકિસ્‍તાનના ખેબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૧૨૧ વર્ષથી સાંકળોથી બંધાયેલુ છે વૃક્ષ

નવી દિલ્હી: માણસોની ધરપકડ થાય તે તો આપણે અનેકવાર સાંભળીએ છીએ પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે કોઈ ઝાડની ધરપકડ થઈ, તેને સાંકળથી બાંધી રાખ્યું? પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વા નામના પ્રાંતમાં એક વડનું ઝાડ છે. આ Banyan tree છેલ્લા 121 વર્ષથી સાંકળોથી જકડાયેલી અવસ્થામાં કેદ છે. સાંકળોથી કેદ આ ઝાડને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ મોટો ગુનો આ ઝાડે કર્યો હશે.

આ ઝાડ પ્રાંતના લંડી કોતલ નામના સ્થળે આવેલું છે. તેને સાંકળોમાં જકડી રાખવા પાછળ એક મોટી રસપ્રદ કહાની છે. વાત જાણે એમ હતી કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વર્ષ 1898માં એક દિવસ અંગ્રેજી સેનામાં જેમ્સ સ્ક્વિડ નામના ઓફિસરે ખુબ દારૂ ઢીંચ્યો હતો. ત્યારે અચાનક તેને એવું લાગ્યું કે એક ઝાડ તેની તરફ આગળ વધી રહ્યું છે. આવામાં તેણે પોતાની સાથે ચાલતા જવાનોને આ ઝાડને કેદમાં લેવાનો આદેશ આપ્યો.

આદેશનું પાલન કરતા જવાનોએ ઝાડને સાંકળોથી જકડી લીધું. ત્યારથી લઈને આ ઝાડની બસ આ જ હાલત છે. ઝાડને સાંકળથી બંધાયેલી અવસ્થામાં 121 વર્ષનો સમયગાળો વીતો ગયો પરંતુ આજે પણ આ જ સ્થિતિ છે. ઝાડને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને તેની સાથે ફોટો પડાવે છે. અત્રે જણાવવાનું કે આ ઝાડ સાથે એક તખ્તી પણ લટકાયલી છે જેમાં ઝાડના હવાલે લખાયેલું છે કે 'હું ધરપકડ કરાયેલો છું.'

(5:04 pm IST)