Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર, 'તેઓ ટી-શર્ટનું માર્કેટિંગ કરવામાં વ્યસ્ત છે'

લખનૌ,તા.૨૫: પ્રિયંકા ગાંધીએ સોમવારે ટ્વિટ કરતા શિક્ષામિત્રોના પ્રશ્નને ઉઠાવ્યો હતો. પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી તેમજ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશ બીજેપી પર પ્રહાર કરતા લખ્યું કે, શિક્ષા મિત્રોની મહેનતનું દરરોજ અપમાન થઈ રહ્યું છે. આ જ કારણે સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો. જે લોકોએ વિરોધ કર્યો તેમના પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે.

પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે, *ઉત્તર પ્રદેશના શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થાય છે. સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો છે. જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તેમના પર સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો, તેમની સામે રાસુકા લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ ટી-શર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે. કાશ તેઓ પીડિતો પર પણ થોડું ધ્યાન આપતા.

વર્ષ ૨૦૧૫માં અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં કામ કરતા *શિક્ષા મિત્રો*ની સહાયક શિક્ષકો તરીકે કરવામાં આવેલી નિમણૂકોને ગેરકાયદે ઠરાવી હતી. આ આદેશની અસર બે લાખ જેટલા *શિક્ષા મિત્રો* (કરાર પર કામ કરતા શિક્ષકો) પર પડી હતી.

ઉત્તર પ્રદેશમાં બીએસપીના સાશન દરમિયાન *શિક્ષા મિત્રો*ની નિમણૂક કરવામાં આવી હતી. આ માટે તેમને બે વર્ષનો બીટીસી (બેઝિક ટ્રેનિંગ કોર્સ) તાલિમ કોર્ષ કરાવવામાં આવતો હતો. ૨૦૧૨માં સમાજવાદી પાર્ટીની નવી સરકારે શિક્ષા મિત્રોને કાયમી કરવા માટે વિધાનસભામાં વટહુકમ લાવ્યો હતો.

ઉત્તર પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧.૭૩ લાખ *શિક્ષા મિત્રો* નોકરી કરી રહ્યા હતા. ૨૦૧૪ના વર્ષ સુધીમાં તેમની નોકરી સરકારે કાયમી કરી દીધી હતી. હાઇકોર્ટ બાદ ૨૦૧૭ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે *શિક્ષા મિત્રો*ની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તે લોકો ્ઈ્ પરીક્ષા પાસ નથી કરતા ત્યાં સુધી તેમની હંગામી નોકરીને સરકારી નોકરીમાં બદલી ન શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા શિક્ષકોને પગાર રૂ. ૩૮,૮૪૮માંથી ઘટાડીને રૂ. ૩૫૦૦ કરી દેવામાં આવ્યો હતો. જોકે, યોગી સરકારે આવા શિક્ષકોનો પગાર વધારીને રૂ. ૧૦ હજાર કર્યો હતો.

(4:19 pm IST)