Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધનની આશા હજી જીવંત, રાહુલે બેઠક બોલાવી

નવીદિલ્હી,તા.૨૫: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આપ (આમ આદમી પાર્ટી) વચ્ચે જોડાણની આશા ફરી જીવંત થઈ છે. કોંગ્રેસે આજે સોમવારે દિલ્હીમાં એક અગત્યની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીના નિવાસસ્થાને સવારે આ બેઠક મળશે. આ બેઠકમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષા શીલા દીક્ષિત, ત્રણેય કાર્યકારી અધ્યક્ષ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકો હાજર રહેશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે અને દિલ્હીના નેતાઓનો આ અંગે અભિપ્રાય માંગશે.

લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને હજી સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. આમ આદમી પાર્ટી દિલ્હીની સાતેય બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી ચુકી  છે. ઉમેદવારોએ ચૂંટણી  પ્રચાર પણ  શરૂ કરી દીધો છે. રસપ્રદ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ અનેક વખત જાહેરમાં કહી ચુક્યા છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગે છે, પરંતુ કોંગ્રેસ તેનો ઇન્કાર કરતી રહી છે. બંનેના ઉચ્ચ નેતાઓ હાલ પણ ગઠબંધન થાય તે દિશામાં કાર્યરત છે.

કોંગ્રેસ મહાસચિવ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોએ  જણાવ્યું કે, આપ સાથે ગઠબંધન થશે કે નહીં તે અંગેનો નિર્ણય રાહુલ ગાંધી સાંજ સુધીમાં કરી શકે છે.  સૂત્રોનું કહેવું છે કે શનિવારે ચાકો ગઠબંધનથી થતા લાભાલાભની ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીને મળ્યા હતા. ચાકો આ પહેલા પણ કહી ચુક્યા છે કે દિલ્હીમાં આપ સાથે ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થશે. જોકે, બીજી તરફ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિત આપ સાથે કોઈ ગઠબંધન નહીં કરવાના મૂડમાં છે.

(4:19 pm IST)