Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જુમલા નહી, જવાબ જોઈએઃ પ્રિયંકા ગાંધી ઉંઘ ઉડી ગઈ? અત્યાર સુધી કયાં હતા? યોગી

ઉત્તર પ્રદેશ સરકાર ઉપર પ્રિયંકાના ટ્વીટ બાણઃ શેરડીના ખેડૂતો, આંગણવાડી બહેનોને લઈને આકરા પ્રહારઃ મુખ્યમંત્રી યોગીએ પણ આંકડા સાથે જવાબ આપ્યા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ સોશ્યલ મીડીયામાં પણ વાક્યુધ્ધ શરૂ થઈ ચૂકયા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અને યુપીના મુખ્યમંત્રી આદીત્યનાથ વચ્ચે ટ્વીટર ઉપર આક્ષેપ- પ્રતિ આક્ષેપ થયા હતા.

કોંગ્રેસના પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ શેરડીના ખેડૂતો અને આંગણવાડીની કાર્યકર્તાઓની મુશ્કેલીઓને મુદ્ે ટ્વીટ કરેલ કે ''જુમલા નહી, જવાબ જોઈએ''.

 આ અંગે યુપીના મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરી જવાબ આપેલ કે, ''ઉંઘ ઉડી ગઈ'' પ્રિયંકાએ કુલ ૩ ટ્વીટ કર્યા હતા, જેના દ્વારા તેમણે ઉત્તર પ્રદેશ સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં પહેલા ટ્વીટમાં પ્રિયંકાએ શેરડીના ખેડૂતોને ચૂકવણીનો મુદ્દો ઉઠાવેલ. આ ટ્વીટમાં તેમણે લખ્યુ કે, શેરડીના ખેડૂતોને આખો પરિવાર દિવસ- રાત મહેનત કરે છે. પણ ઉત્તર પ્રદેશ સરકાર ચૂકવણીની જવાબદારી નથી લેતી. ખેડૂતોના ૧૦ હજાર કરોડની બાકી રકમ એટલે કે તેમના બાળકોનું શિક્ષણ, ભોજન, સ્વાસ્થ્ય અને તેમનો પાક બધુ ઠપ્પ થઈ જાય છે. આ ચોકીદાર ફકત અમીરોની ડયુટી કરે છે, ગરીબોની તેમને પરવાહ નથી.

જયારે બીજા ટ્વીટમાં પ્રિયંકાએ આંગણવાડી અને આશા કાર્યકરોને લઈને આકારા પ્રહારો કરેલ. તેમણે જણાવેલ કે, યુપીની આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયીકાઓ રાજય કર્મચારીઓ સમકક્ષ દરરજો માંગી રહી છે. ભાજપે સરકારે તેમની પીડા સાંભળવાને બદલે તેમના  ઉપર લાકડીઓ વરસાવેલ મારી બહેનોનો સંઘર્ષ, મારો સંઘર્ષ છે.

અંતિમ ટ્વીટમાં પ્રિયંકાએ જણાવેલ કે યુપીની આશાકર્મી ૯ મહિના માટે એક ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની જવાબદારી ઉપાડે છે. જેના માટે તેને ફકત ૬૦૦ રૂપિયા મળે છે. ભાજપ સરકારે કયારેય તેમના વેતનમાં વધારો કરવાની દરકાર સુધ્ધા નથી કરી. તેમને જુમલા નહી, જવાબ જોઈએ. અંતિમ બન્ને ટ્વીટ તેમણ ે#sanchibaat હેશ ટેગ સાથે શેર કરેલ.

પ્રિયંકાના ટ્વીટના થોડા સમય બાદ યોગી આદીત્યનાથે ટ્વીટ કરી જણાવેલ કે, આ લોકો ત્યારે કયાં હતા. જયારે ખેડૂતો ભૂખમરાથી મૃત્યુ પામી રહ્યા હતા. એક અન્ય ટ્વીટમાં યોગીએ લખેલ કે, કોંગ્રેસની ડૂબતી હોડીના નવા કેપ્ટન ભ્રામક પ્રચારથી જનતાને ભરમાવી રહ્યા છે. અત્યાર સુધી આશા બહેનોની શુભચિંતક કયાં હતા. ઉંઘ ઉડી ગઈ? આશાઓને ૬૦૦ રૂપીયા જેએસવાય હેઠળ પ્રસવ પૂર્વે સંભાળ અને જોખમ વાળી ગર્ભાવસ્થા અને સંસ્થાગત પ્રસવ માટે વધારાના ૩૦૦ રૂપિયા મળે છે.

જો કે ટ્વીટનો સીલસીલો અહીં થમ્યો ન હતો. યોગીએ વધુ એક ટ્વીટ કરી જણાવેલ કે હાલમાં સરકારે દર મહિને ૭૫૦ રૂપીયાની વૃધ્ધીની જાહેરાત કરી છે. ગયા વર્ષે આશા બહેનોને ચૂકવાયેલ એવરેજ ચૂકવણું ૨૮૬૫  રૂપીયા મહિને હતુ. જે કેન્દ્ર સરકાર દ્વારા ૧ હજાર રૂપિયા વધારાતા ૬ મહિનાથી લગભગ ૪ હજાર છે. રાજય સરકારના વર્તમાન વૃધ્ધી સાથે તે લગભગ ૫ હજાર દર મહિને થઈ ગયુ છે.

આ પહેલીવાર નથી કે જયારે પ્રિયંકાએ યુપી સરકાર ઉપર નિશાન સાધ્યુ હોય. પોતાની ગંગા યાત્રા દરમિયાન પણ તેણે ઉત્તર પ્રદેશ સરકાર ઉપર વાર કર્યા હતા.

(4:19 pm IST)