Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોંગી ઉમેદવારો સપા અને બસપાની તકલીફ વધારશે

કોંગ્રેસના મજબુત ઉમેદવારથી ભાજપને લાભ : ઉત્તરપ્રદેશમાં છ લોકસભા સીટ પર સપા-બસપાના અનેક મત કોંગ્રેસને જઇ શકે છે જેથી ભાજપને સીધો લાભ થશે

નવી દિલ્હી,તા. ૨૫: ઉત્તરપ્રદેશમાં પાર્ટીમાં નવા  પ્રાણ ફુંકવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે છ લોકસભા બેઠક પર પોતાના મજબુત ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. જેના કારણે પ્રત્યક્ષ ફાયદો ભાજપને થઇ શકે છે. કોંગ્રેસના છ લોકસભા સીટ પર મજબુત ઉમેદવાર મેદાનમાં રહેવાથી બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના કેટલાક મત કોંગ્રેસમાં જઇ શકે છે. જેના કારણે ભાજપને લાભ થઇ શકે છે. આવી સ્થિતીમાં ભાજપને વધારે લાભ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. આ વખતે એકબાજુ સમાજવાદી પાર્ટી અને બસપા દ્વારા મહાગઠબંધન કરવામાં આવ્યુ છે. આ બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. સાથે સાથે આ ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસે પણ મજબુત ઉમેદવારો કેટલીક સીટો પર ઉતારી દીધા છે. આવી સ્થિતીમાં ત્રિકોણીય સ્પર્ધા થનાર છે. ત્રિકોણીય સ્પર્ધા થશે તો ભારતીય જનતા પાર્ટીને લાભ થઇ શકે છે. વર્ષ ૨૦૧૪માં  ગાજિયાબાદ, સહારનપુર, લખનૌ, કાનપુર, બારાબંકી તેમજ કુશીનગરમાં કોંગ્રેસ પાર્ટી બીજા સ્થાન પર રહી હતી. બીજી બાજુ બસપના કેટલાક ઉમેદવાર નબળા દેખાઇ રહ્યા છે. જેથી મુસ્લિમ મતદારો ભ્રમમાં પડી શકે છે. વોટ ગઠબંધનને આપવામાં આવે કે પછી કોંગ્રેસમાં આપવામાં આવે તેને લઇને ભ્રમની સ્થિતી રહી શકે છે. કેટલાક શહેરી ક્ષેત્રોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા રહી શકે છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને મહાગઠબંધનમાં રહેલી ખેંચતાણનો લાભ લઇ શકે છે. જો કે ભારતીય જનતકા પાર્ટીની સામે પણ છેલ્લી ચૂંટણી જેવો દેખાવ કરવાની બાબત ખુબ મુશ્કેલ છે. જેથી તેને વધારે તાકાત લગાવવાની ફરજ પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકીય પક્ષો જોરદાર તૈયારીમાં હાલમાં વ્યસ્ત છે.

(4:19 pm IST)