Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સુપ્રિમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ

જો EVM - VVPAT મશીન અને સ્લીપના મેચિંગની સંખ્યા વધે તો તમને શું વાંધો છે?

VVPAT અને EVMના ૫૦ ટકા મેળવણાને લઇને અખિલેશ સહિતના વિપક્ષોએ કોર્ટમાં કરી છે અરજી : ગુરૂવાર સુધીમાં જવાબ આપવા પંચને આદેશ

નવી દિલ્હી તા. ૨૫ : વિપક્ષી દળોની અરજી પર સુપ્રીમ કોર્ટે વીવીપેટના સેમ્પલ સર્વે પર ચુંટણી પંચ પાસેથી ૨૮ માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે. વિપક્ષી દળોની માંગ છે કે એકથી વધુ વીવીપેટના સેમ્પલ સર્વે લેવામાં આવે. હાલમાં એક વિધાનસભા ક્ષેત્રના એક વીવીપેટની સ્લીપની ૫૦ ટકા સ્લીપની ગણતરી કરવામાં આવે છે.

ઇવીએમ અને વીવીપેટની ૫૦ ટકા મેળવણી અંગે સપા નેતા અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલાની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે અરજીનો વિરોધ કર્યો છે. પંચનું કહેવું છે કે, આવું કરવાની જરૂરીયાત નથી.

બીજી બાજુ સુપ્રિમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું છે કે, અમે ઇચ્છીએ છીએ કે મશીન અનુ સ્લીપની મેચીંગની સંખ્યા વધે તો, એકથી બે ભલા એવી સ્થિતિ થાય છે તો તમને શું વાંધો છે ?

કોર્ટે ચુંટણી પંચ પાસેથી સોગંદનામુ માગ્યું કે, મેચિંગ સંખ્યા વધારવામાં આવે તો ? કોર્ટ હવે આ મામલે ૧લી એપ્રિલે સુનાવણી કરશે. જ્યારે પંચે ૨૮ માર્ચ સુધીમાં સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે.

કોર્ટમાં ચુંટણી પંચે દલીલ આપી કે જો ઇવીએમ મશીન સાથે વીવીપેટના મેળવણા થાય તો તેનાથી સમય અને સંશાધન બરબાદ થશે.

અરજી પર સુનાવણી કરીને સુપ્રિમ કોર્ટે ચુંટણી પંચને પૂછયું છે કે, તે હાલમાં એક વિધાનસભા ક્ષેત્રને એક વીવીપેટ સેમ્પલ સર્વે લેવાની વ્યવસ્થા પર તેની સંતુષ્ટીનું કારણ જણાવામાં આવે. ચુંટણીઓમાં વીવીપેટના સેમ્પલ પર આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રબાબુ નાયડુ સહિત ૨૧ વિપક્ષી નેતાઓની અરજી પર ૧ એપ્રિલે સુનાવણી કરશે.

(3:44 pm IST)