Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ સતત સંપર્ક જાળવ્યો, રાહુલ ગાંધીને મોઢે ફીણ લાવી દયે તો નવાઈ નહિ

ગાંધી પરિવારનો ગઢ ગણાતા વિસ્તારમાં નવાજૂની સર્જવા ભાજપે તમામ તાકાત કામે લગાડીઃ ૨૦૧૪માં સ્મૃતિને ૩,૦૦,૭૪૮ મત મળેલાઃ આ વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારનો લાભઃ અપસેટ ન સર્જાય તો પણ કોંગ્રેસ પ્રમુખને મતક્ષેત્રમાં જ રોકી રાખવાનો વ્યુહ

રાજકોટ, તા. ૨૫ :. ઉત્તર પ્રદેશના બહુ જાણીતા લોકસભા મતક્ષેત્ર અમેઠીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતાર્યા છે. તેણી હાલ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. ૨૦૧૪માં અમેઠીમાં જ રાહુલ ગાંધી સામે લડીને હાર્યા હતા. તે વખતની અને અત્યારની રાજકીય સ્થિતિમાં ઘણો ફેર છે. આ વખતે ગાંધી પરિવારના ગઢ ગણાતા આ વિસ્તારમાં રાહુલ ગાંધીને હરાવવાની નેમ સાથે ભાજપે તમામ તાકાત કામે લગાડી છે. કદાચ રાહુલને હરાવી ન શકાય તો પણ તેને મત વિસ્તારમાં મહત્તમ સમય રોકી શકાય તેવો ભાજપનો ઈરાદો છે. અમેઠીમાં પરંપરાગત રીતે કોંગ્રેસના ધૂરંધરો ચુંટાતા આવ્યા છે. ૧૯૯૯માં સોનિયા ગાંધી આ બેઠક પરથી ૩ લાખ જેટલા મતે જીતેલા. ૧૯૮૧, ૧૯૮૪, ૧૯૮૯ અને ૧૯૯૧માં રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટાયેલા. ૧૯૮૦થી સતત આ બેઠક કોંગ્રેસને મળતી આવી છે. અમેઠીની પ્રજાએ ગાંધી પરિવારના સભ્યોને ૮ વખત સાંસદ બનાવ્યા છે. ૨૦૦૪માં બસપા સામે રાહુલ ગાંધીને ૨,૯૦,૯૪૩ મતની સરસાઈ મળેલ. ૨૦૦૯માં રાહુલને બસપા સામે ૩,૭૦,૧૯૮ મતની સરસાઈ મળી હતી. ૨૦૧૪માં સ્થિતિમાં ઘણો ફેર પડેલ. તે વખતે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધી માત્ર ૧,૦૭,૯૦૩ મતે વિજેતા બન્યા હતા. સ્મૃતિની ઉમેદવારીથી રાહુલની સરસાઈમાં ધરખમ ઘટાડો થઈ ગયો હતો.

ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ અને અત્યારની સ્થિતિએ રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર છે. તે વખતે કેન્દ્રમાં મનમોહનસિંહની અને ઉત્તર પ્રદેશમાં સપાના અખિલેશ યાદવની સરકાર હતી. અત્યારે કેન્દ્રમાં મોદીની અને યુપીમાં યોગીની સરકાર છે. સ્મૃતિએ ૨૦૧૪ની ચૂંટણી હાર્યા પછી પણ અમેઠી સાથે સતત સંપર્ક જાળવ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં લગભગ ૩૮ વખત અમેઠીની મુલાકાત લીધી છે. સમગ્ર મત વિસ્તારમાં તેનુ નામ ઘણુ જાણીતુ થઈ ગયુ છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારના માધ્યમથી અનેક વિકાસકામો થયાનો જશ મળી શકે તેમ છે. ભાજપે વિકાસને મુદ્દો બનાવ્યો છે. અમેઠીની પ્રજાએ દાયકાઓથી ગાંધી પરિવારને જીત અપાવી હોવા છતા તે પરિવારે મત વિસ્તારની બરાબર માવજત કરી નથી તેવો પ્રચાર ભાજપે જમાવ્યો છે. વધારામાં ખુદ વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડી રહ્યા હોવાથી લોકપ્રિયતાનો લાભ પણ અમેઠીમાં ભાજપને મળી શકે તેમ છે. આ વખતે સ્મૃતિ ઈરાની જીત માટે ખૂબ આશાવાદી છે. કોંગ્રેસે પ્રચારમાં પ્રિયંકા ગાંધીને ઉતાર્યા છે તેનો ફાયદો રાહુલના મતક્ષેત્રમાં થવાની કોંગ્રેસને આશા છે. પરિણામ ગમે તે આવે પરંતુ અત્યારની સ્થિતિ જોતા રાહુલ ગાંધી માટે અમેઠીનો જંગ અભૂતપૂર્વ કઠીન મનાય છે.

(11:43 am IST)