Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રોજગારીના મુદ્દાથી થરથર કાંપે છે પક્ષો

ચૂંટણી ઢંઢેરાઓમાં અને સભાઓમાં રાજકીય પક્ષો રોજગારીના વચનો આપવાથી દુર રહેશે

નવી દિલ્હી તા. ૨૫ : લોકસભા ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો પોતપોતાના ચુંટણી ઢંઢેરામાં રોજગારી બાબતે વચનો આપવાથી દુર રહેશે. સૂત્રો અનુસાર, જાહેર સભાઓમાં પણ આવું કોઇ વચન નહીં અપાય.

રોજગારીના મુદ્દે વિરોધ પક્ષો સરકારને ઘેરી રહ્યા છે, પણ સરકાર રોજગારી ઉત્પન્ન કરવાના આંકડા પોતાની રીતે આપી રહી છે. ચર્ચાઓ ચાલી રહી છે કે રાષ્ટ્રીય દળો પોતપોતાના ચુંટણી ઢંઢેરામાં રોજગારી ઉપર વચન આપશે કે નહીં. કેન્દ્રના એક સીનીયર પ્રધાને કહ્યું કે, ઢંઢેરા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ જ છે. આવતા પાંચ વર્ષમાં કેટલાક રોજગાર અપાશે અને ચુંટણી ઢંઢેરામાં શું કહેવામાં આવશે તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ તરફથી પણ સંકેતો મળ્યા છે કે તે ચુંટણી ઢંઢેરામાં લઘુત્તમ આવક યોજનાનો વાયદો તો કરશે પણ રોજગારોની સંખ્યા અંગે આ વખતે ચુપ રહી શકે છે.

ભાજપાના ગયા ચુંટણી ઢંઢેરામાં પણ આંકડો નહોતો અપાયો. પણ રોજગારી ઉત્પન્ન કરવાને પ્રાથમિકતા આપવાની વાત કહી હતી. કોંગ્રેસે જો કે ત્યારે દસ વરસમાં દસ કરોડ રોજગારી ઉત્પન્ન કરવાની વાત કરી હતી.

જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ શેટ્ટીગરે કહ્યું કે, રોજગાર એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે એટલે રાજકીય પક્ષો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ચુંટણી ઢંઢેરામાં રોજગારી અંગેની પોતપોતાની યોજના અંગે સ્પષ્ટતા કરે. પ્રજા પણ એ જાણવા ઇચ્છશે. પણ પક્ષોએ એ વાતનો પણ ખ્યાલ રાખવો પડશે કે એ આઇના વધતા ઉપયોગના કારણે દુનિયાભરમાં રોજગારો ઘટી રહ્યા છે. જ્યારે વિકાસ દર વધી રહ્યો છે.(૨૧.૭)

(11:38 am IST)