Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

તામિલનાડુના ખેડૂતોનો અનોખો વિરોધ : ૧૧૧ જણા મોદી સામે લડશે

વારાણસીથી ઉમેદવારી નોંધાવશે

તિરૂચીરાપલ્લી તા. ૨૫ : પોતાની માગણી દિલ્હી સુધી લઇ ગયા છતાં કશું ન થતા તમિળનાડુના ૧૧૧ ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન દાખલ કરવાની જાહેરાત કરી હતી.

નેશનલ સાઉથ ઇન્ડિયન રિવર્સ ઇન્ટરલિન્કિંગ ફાર્મર્સ અસોસિયેશનના પ્રમુખ અને તમિલનાડુના ખેડૂતોના નેતા પી અય્યાન્ધનુએ જણાવ્યું હતું કે રાજયના ૧૧૧ ખેડૂતો મોદી સામે ચૂંટણી લડશે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય એમની ખેતપેદાશ માટે નફાકારક ભાવ સહિતની માગણીઓ ભાજપ પોતાના મેનિફેસ્ટોમાં દાખલ કરે એ આશયથી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં અંદાજે ૧૦૦ દિવસ સુધી ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરનાર અય્યાન્ધનુએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ જે ક્ષણે પોતાના મેનિફેસ્ટોમાં એમની માગણી દાખલ કરવાનું આશ્વાસન આપશે, કે અમે મોદી સામે ચૂંટણી લડવાની યોજના પડતી મૂકીશું, પણ જો એવું નહીં થાય તો તેઓ ચૂંટણી લડશે. ચૂંટણી લડવાના નિર્ણયને અખિલ ભારતીય કિશાન સંઘર્ષ સમન્વય સમિતિ સહિત બધેથી ટેકો જાહેર કરાયો છે. તેઓ કોંગ્રેસ સહિત અન્ય પક્ષને એમના મેનિફેસ્ટોમાં પોતાની માગણી દાખલ કરવાની માગ કેમ નથી કરતા એવા સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે ભાજપ હજુ કેન્દ્રમાં સત્તા પર છે અને મોદી વડા પ્રધાન હોવાથી અમે અમારી માગણી ભાજપ પાસે કરી રહ્યા છીએ.

અમે ભાજપ કે આપણા વડા પ્રધાનનો વિરોધ નથી કરી રહ્યા. સત્ત્।ા પર આવવા અગાઉ મોદીજીએ અમારી માગણીઓ પૂરી કરવાનું અને આવક બમણી કરવાનું આશ્વાસન આપ્યું હતું. આજેય તેઓ આપણા વડા પ્રધાન છે અને ભાજપ કેન્દ્રમાં સત્તા પર હોવાથી અમે એમની પાસે માગણી કરી રહ્યા છીએ. મને વિચાર થાય છે કે ભાજપને આવું આશ્વાસન આપવામાં શી અડચણ છે. મેં ૩૦૦ ખેડૂતો વારાણસી જઇ શકે એ માટે ટિકિટ બુક કરાવી છે.

અય્યાન્ધનુએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે ખેતપેદાશ માટે નફાકારક ભાવ, રાષ્ટ્રીયકૃત સહિત બધી જ બેંકોમાંથી ખેડૂતોને ઋણમાફી અને ૬૦ વર્ષથી વધુ વયના ખેડૂતો માટે રૂ. ૫૦૦૦ના પેન્શનનું વચન આપ્યું હતું. કઇ નહીં તો તમિલનાડુના ભાજપના એકમાત્ર સાંસદ પોન રાધાક્રિશ્ર્નન જ અમને એમના મેનિફેસ્ટોમાં અમારી માગણી સામેલ કરવાનું આશ્વાસન આપશે તોય અમે અમારા નિર્ણયને બદલવા વિશે વિચાર કરીશું. અય્યાન્ધનુની આગેવાનીમાં નવેમ્બર ૨૦૧૮માં રાજયના ખેડૂતો બે ખોપડી લઇને એ પોતાના સાથી ખેડૂતોની હોવાનું જણાવીને દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

(10:09 am IST)